પીએમ મોદીએ આપી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતને 100મી જયંતિ પર શ્રદ્ધાંજલિ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતને 100મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોદીએ રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાનના જીવન સાથે જોડાયેલી અનેક વાતો જણાવી હતી. શેખાવતને બધા જ રાજનૈતિક દળોમાં સન્માન મળતું હતું, એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે શેખાવત એવા વ્યક્તિ હતા જેને તમામ રાજકીય પક્ષો અને દરેક ક્ષેત્રના લોકો પસંદ કરતા હતા. વર્તમાન રાજકારણમાં જેમના વિશે આવો દાવો કરી સકાય એવા નેતાઓની સંખ્યા ઘણી ઓછી છે. તેમને દરેક રાજકીય પક્ષો તરફથી માન મળતું હતું.
પીએમ મોદીએ એવા અન્ય બે નેતાઓના ઉદાહરણ ટાંક્યા હતા જેઓ બધા જ રાજનૈતિક દળોમાં સન્માનનીય હતા. એક તો સીપીએમના ભૂતપૂર્વ મહાસચિવ અને ભારતના પીઢ સામ્યવાદી નેતા હરકિશન સિંહ સુરજીત અને બીજા પાંચ વખત પંજાબના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા પ્રકાશ સિંહ બાદલ. પ્રકાશ સિંહ બાદલનો પક્ષ શિરોમણી અકાલી દળ લાંબા સમય સુધી ભાજપનો સહયોગી હતો.
તેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યા હતા, પણ તેમની રાજનીતિ પંજાબ કેન્દ્રીત હતી. બાદલે રાજકીયલાભની પરવા કર્યા વગર હંમેશા અંગત અને ઘનિષ્ઠ સંબંધ જાળવી રાખ્યા હતા. હરિયાણાના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન દેવીલાલ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલા સાથે તેમના અંગત સંબંધો હતા. એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે લાગ્યું કે બાદલના દેવીલાલ અને ચૌટાલા સાથેના સંબંધો દાવ પર લાગશે, પણ એવું ક્યારેય બન્યું નહોતું.
હરકિશન સિંહ સુરજીત હંમેશા તેમની વિચારધારાને સમર્પિત રહ્યા, પરંતુ રાજકીય અને જાહેર જીવનમાં તેમણે હંમેશા બધાને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કર્યો હતો.