સંસદની સુરક્ષામાં ચૂક અંગે વડાપ્રધાને ચિંતા વ્યકત કરી, કહ્યું- આ ચિંતાજનક છે
નવી દિલ્હી: ગત બુધવારે સંસદની સુરક્ષામાં થયેલી ચૂકને બાબતે રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઇ રહ્યા છે. વિપક્ષ તરફથી સતત માંગ કરવામાં આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં આવીને આ મુદ્દે નિવેદન આપવું જોઈએ. આ દરમિયાન એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
તેમણે કહ્યું છે કે આ મામલાની તપાસ જરૂરી છે અને સાથે જ આ મામલામાં વધુ ઊંડાણમાં જવું જરૂરી છે. 13 ડિસેમ્બરે સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર બે પ્રદર્શનકારીઓ લોકસભા ગૃહમાં ઘૂસી ગયા અને સ્મોક કેન્ડલ સળગાવી પીળો ધુમાડો છોડ્યો હતો. પોલીસે ગૃહમાં પ્રવેશનાર બે પ્રદર્શનકારીઓ અને સંસદ ભવનની બહાર હાજર તેના બે સહયોગીઓની પણ ધરપકડ કરી હતી. આ ઉપરાંત આ ષડ્યંત્ર સાથે જોડાયેલા અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે.
એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં વડા પ્રધાન મોદીએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક ગણાવી હતી. તેમણે કહ્યું છે કે આ મુદ્દે વાદવિવાદ કે પ્રતિકાર કરવાને બદલે તેના ઊંડાણમાં જવું જરૂરી છે. આમ કરવાથી જ મામલો ઉકેલાશે. સંસદની સુરક્ષામાં થયેલી ક્ષતિઓને બબાતે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર દબાણ વધારી રહ્યું છે. આ દિવસોમાં સાંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, પરંતુ સુરક્ષામાં ખામી બાદ વિપક્ષના હોબાળા વચ્ચે ગૃહને ઘણી વખત સ્થગિત કરવું પડ્યું હતું.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે સંસદમાં બનેલી ઘટનાની ગંભીરતાને ઓછી ન આંકવી જોઈએ. સ્પીકર ઓમ બિરલા આ બાબતે ગંભીરતાથી તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે તપાસ એજન્સીઓ દ્વારા પણ આ મામલાની કડક તપાસ કરવામાં આવી રહી છે. આની પાછળ કયા તત્વો સામેલ છે. આ બાબતમાં પણ ઊંડા ઉતરવું જરૂરી છે. આપણે સાથે આવીને ઉકેલ શોધવો પડશે. દરેક વ્યક્તિએ આવા વિષય પર પ્રતિકાર ટાળવો જોઈએ.