ચૂંટણી પ્રચાર પૂરો થતા PM Modi પહોંચ્યા કન્યાકુમારી, 2 દિવસ ધ્યાન કરશે
કન્યાકુમારી: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ઓ માટે પ્રચારનું સમાપન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પહેલી જૂન સુધી ઇશ્ર્વરના સાનિધ્ય અને સ્મરણમાં રહેવાનું નક્કી કર્યું છે અને 45 કલાક સુધી ધ્યાનમગ્ન રહેવા માટે તે કન્યાકુમારી (Kannaiyakumari) પહોંચ્યા હતા. અહીં સ્વામી વિવેકાનંદને જ્યાં ભારત માતા વિશે દિવ્યજ્ઞાન થયું હતું એ જ સ્થળે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે મોદી ધ્યાનમાં બેસશે. પહેલી જૂન સુધી મોદી ધ્યાન અવસ્થામાં જ રહેશે.
કન્યાકુમારી પહોંચ્યા ધ્યાનમાં બેસતા પહેલા તેમણે ભગવતી અમ્મન મંદિરમાં જઇને પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ લીધા હતા. મોદી પહેલી જૂનની સાંજ સુધી અહીં ધ્યાન અવસ્થામાં રહેશે.
મોદી જ્યાં ધ્યાનમાં બેસવાના છે એ વિસ્તાર દરિયાકાંઠો હોવાના કારણે સુરક્ષાની પણ કડક વ્યવસ્થા કરવામાં આવી છે. વડા પ્રધાનની અંગત એસપીજી સુરક્ષા ઉપરાંત અહીં બે હજાર પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. દરિયાકિનારાથી કોઇ ખતરો ન આવે એ માટે ઇન્ડિન કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન નેવી પણ તહેનાત કરવામાં આવી છે. આ સિવાય ટુરિસ્ટ બોટ્સ-ફેરી લઇ જવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે એક ધ્યાન મંડપમ પણ આવેલું છે. વડા પ્રધાન મોદી આ જ ધ્યાન મંડપમમાં લગભગ ત્રણ દિવસની પોતાની આધ્યાત્મિક યાત્રા ખેડશે. પહેલી જૂને ધ્યાનમાંથી બહાર આવ્યા બાદ વડા પ્રધાન અહીં આવેલા તમિલ કવિ તિરુવલ્લુવરની 133 ફૂટ ઊંચી પ્રતિમા જોવા પણ જશે તેવા અહેવાલ છે, જ્યાર બાદ તે દિલ્હી જવા માટે રવાના થશે.
જોકે આ કંઇ પહેલી વાર નથી જ્યારે ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ મોદી આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા હોય. આ પહેલા પણ અનેક વખત તે ધ્યાનમાં બેસી ચૂક્યા છે. 2019માં ચૂંટણી બાદ મોદીએ કેદારનાથ ભગવાનના દર્શન કર્યા હતા અને ત્યાં તે 15 કલાકના એકાંતવાસમાં રહ્યા હતા. જ્યારે 2014માં મોદી મહારાષ્ટ્રના પ્રતાપગઢ પહોંચ્યા હતા અને ત્યાં છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ એ સ્થળ છે જ્યાં સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ સુધી તપસ્યા કરી હતી અને ત્યાર બાદ તેમણે અહીં જ એક વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. વડા પ્રધાન મોદી પણ આ ચૂંટણી એક વિકસિત ભારતના નિર્માણ માટેની ચૂંટણીના ધ્યેય સાથે લડ્યા છે ત્યારે આ સ્થળ તેમણે કેમ પસંદ કર્યું તે સ્પષ્ટ થાય છે.