નેશનલ

સત્તામાં આવશે તો કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટી રામ મંદિર પર બુલડોઝર ફેરવશે: વડા પ્રધાન મોદી

બારાબંકી (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે એવો ગંભીર દાવો કરવામાં આવ્યો હતો કે જો ઈન્ડી ગઠબંધન સત્તામાં આવશે તો કૉંગ્રેસ અને સપા (સમાજવાદી પાર્ટી) અયોધ્યાના રામ મંદિર પર બુલડોઝર ફેરીવી નાખશે. તેમણે બંને પક્ષોને એવી સલાહ આપી હતી કે બુલડોઝર ક્યાં ફેરવવા જોઈએ એના ટ્યૂશન યોગી આદિત્યનાથ પાસેથી લેવાની આવશ્યકતા છે.

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધન દેશમાં અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરી રહી છે અને જેમ જેમ ચૂંટણી આગળ વધી રહી છે તેમ આ લોકો પત્તાના મહેલની જેમ પડી રહ્યા છે.


તેમની સરકાર હેટ-ટ્રીક કરશે એવો દાવો કરતાં મોદીએ ઉમેર્યું હતું કે નવી સરકારે ગરીબો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતો માટે અનેક મોટા નિર્ણયો લીધા છે. તેઓ અહીં બારાબંકી અને મહોનલાલગંજના લોકોના આશીર્વાદ લેવા માટે આવ્યા છે.


ચોથી જૂન દૂર નથી. આજે આખો દેશ અને દુનિયા જાણે છે કે મોદી સરકાર હેટ-ટ્રીક લગાવવા જઈ રહી છે.
ઉત્તર પ્રદેશના જ હમીરપુરમાં તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં વિપક્ષી ગઠબંધનના બે પક્ષો કૉંગ્રેસ અને સપાના ઈરાદાઓ અંગે સાવચેત કરવા આવ્યો છું. આ લોકો તમારો મત લેશે, પરંતુ સત્તામાં આવ્યા બાદ તેઓ બધી ભેટ તેમના માટે વોટ જેહાદ કરનારા લોકોમાં વહેંચી દેશે. તેઓ તમારી મિલકતોની તપાસ કરશે અને પછી તમારી મિલકતોનો કેટલોક હિસ્સો છીનવીને તેમની વોટ બેંકને આપી દેશે.

આ પણ વાંચો : કૉંગ્રેસ કલમ 370 અને રામ મંદિર પર બાબરી તાળું ન લગાવે તે માટે 400 બેઠકો જોઈએ છે: વડા પ્રધાન

ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં તેમણે કૉંગ્રેસની મજાક ઉડાવતાં કહ્યું હતું કે હવે કૉંગ્રેસે પોતાનું સન્માન બચાવવા માટે મિશન 50 ચાલુ કર્યું છે. આખા દેશમાંથી ઓછામાં ઓછી 50 બેઠકો જીતીને તેઓ ઈજ્જત બચાવવા માગે છે. તેમણે રાહુલ ગાંધીની અમેઠીને બદલે રાયબરેલીમાંથી ચૂંટણી લડવા બાબતે મજાક ઉડાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પહેલા ચાર તબક્કામાં તેમની જે હાલત થઈ છે તેને જોઈને નિરાશ કાર્યકર્તાઓ હવે ચૂંટણી સંબંધિત કામો માટે ઘરની બહાર પણ નીકળતા નથી.


તેમણે રાહુલ ગાંધીના ખટા-ખટ, ખટા-ખટ શબ્દ પ્રયોગની નકલ કરતાં કહ્યું હતું કે પંજાના અને સાયકલના સપનાં તૂટી રહ્યા છે ખટા-ખટ, ખટા-ખટ, હવે તેઓ વિચારી રહ્યા છે કે ચોથી જૂન પછી પરાજય માટે કોને દોષ આપવો ખટા-ખટ, ખટા-ખટ, અને કોઈએ કહ્યું કે વિદેશ યાત્રાની ટિકિટો પણ બૂકિંગ થઈ ગઈ છે ખટા-ખટ, ખટા-ખટ.
એક તરફ ભાજપ અને એનડીએ ગઠબંધન રાષ્ટ્રના હિત પ્રત્યે સમર્પિત છે, જ્યારે બીજી તરફ ઈન્ડી ગઠબંધન અસ્થિરતા સર્જવા માટે મેદાનમાં આવી ગઈ છે. તેમના લોકો પત્તાના મહેલની જેમ ખરવા લાગ્યા છે.

આ પણ વાંચો :જે લોકો ભ્રષ્ટાચાર કરશે તેઓ પાંચ વર્ષમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરશે: વડા પ્રધાન મોદી

તેમણે કહ્યું હતું કે તમને એવા સંસદસભ્યો જોઈએ જે કામ કરે અને તમારા માટે સારા કામ કરે. જે તમારા વિસ્તારોનો વિકાસ કરે, એવા નહીં જે પાંચ વર્ષ સુધી મોદીને ગાળો આપે. શું તમને 1000 સીસીની ઝડપ 100 સીસીના એન્જિનમાંથી મેળવી શકો છો? જો ઝડપી વિકાસ જોઈતો હોય તો ફક્ત મજબૂત સરકાર જ તે આપી શકશે, ફક્ત ભાજપ સરકાર આપી શકશે, એમ વડા પ્રધાને કહ્યું હતું.

રામ મંદિરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે સપાના એક સિનિયર નેતાએ રામ નવમીના દિવસે કહ્યું હતું કે રામ મંદિર બેકાર છે. બીજી તરફ કૉંગ્રેસ સુપ્રીમ કોર્ટનો રામ મંદિર અંગેનો નિર્ણય ઉલટાવવા માગે છે. તેમના માટે ફક્ત તેમના પરિવાર અને સત્તા મહત્ત્વની છે. જો સપા-કૉંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ રામ લલ્લાને ફરી તંબુમાં મોકલી દેશે અને મંદિર પર બૂલડોઝર ચલાવી દેશે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button