
નવી દિલ્હીઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતે તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ણય કર્યા પછી આતંકવાદીઓના નવ ઠેકાણાને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં અનેક આતંકવાદીઓનો ખાતમો બોલાવાયો છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઓપરેશન સિંદૂર અન્વયે મુદરીક, કોટલી, મુઝફ્ફરાબાદ અને બહાવલપુર સહિતના નવ જગ્યાને નિશાન બનાવીને આતંકવાદીઓના કેમ્પનો સફાયો બોલાવ્યો હતો. આ હુમલા પછી ભારતીય વાયુસેનાએ એર પેટ્રોલિંગ વધારી દીધું છે, જ્યારે તમામ સુરક્ષા દળોને એલર્ટ રહેવાની તાકીદ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
ઈન્ડિગો અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ રદ્દ
ભારતની પાકિસ્તાન પર એર સ્ટ્રાઈકને કારણે હવાઈ સેવા પર ગંભીર અસર થઈ છે. ઈન્ડિગોએ ઉત્તર ભારતની ફ્લાઈટ્સ પર અસર થવાના અહેવાલ વચ્ચે હવે એર ઈન્ડિયાએ પણ બપોરના બાર વાગ્યા સુધીની તમામ ફ્લાઈટ્સ રદ્દ કરી છે. શ્રીનગર એરપોર્ટને પણ બંધ કરવામાં આવ્યું છે. એર ઈન્ડિયાએ પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી કરતા કહ્યું છે કે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ આગામી આદેશ સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટની તમામ ફ્લાઈટ્સને આજે બપોરના 12 વાગ્યા સુધી રદ્દ કરી છે, જ્યારે ઈન્ડિગોએ પણ શ્રીનગર, જમ્મુ, લેહ સહિતની તમામ ફ્લાઈટ્સ સેવા પર અસર થઈ હોવાનું જણાવ્યુ હતું.
પાકિસ્તાનના વડા પ્રધાનની ઊંઘ હરામ

ભારતની એર સ્ટ્રાઈકથી ફફડી ઉઠેલા પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાજ શરીફે કહ્યું હતું કે પાકિસ્તાનની ધરતી પર પાંચ જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનને આ યુદ્ધ માટે ઉકસાવનારી હરકતનો શક્તિશાળી રીતે જવાબ આપવામાં આવશે. પાકિસ્તાનની સેના અને જનતા સંપૂર્ણપણે એક છે અને દેશનું મનોબળ ઊંચું છે. જોકે, ભારતના કાશ્મીર સ્થિત પહલગામના આતંકવાદી હુમલાનો બદલો લેવાના ભાગરુપે મધરાતથી હાથ ધરેલા ઓપેરશન સિંદૂર અન્વયે કાર્યવાહી બાદ પાકિસ્તાન હરકતમાં આવી ગયું છે. ભારતના હુમલાથી બચવા માટે કરાચી અને લાહોરનું એર સ્પેસ બંધ કર્યું છે. એના સિવાય લાહોર અને સિયાલકોટ એરપોર્ટને પણ આગામી 48 કલાક માટે બંધ કરવામાં આવ્યું છે.
જૈશ-હાફિઝ સઈદના કેમ્પ પર સ્ટ્રાઈક
પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદીઓ અને ભારતમાં આતંકવાદી હુમલાના ષડયંત્ર રચનારાઓને ધૂળમાં મિલાવી દેવાનું ભારતે ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અન્વયે નવ ઠેકાણે હુમલો કર્યો હતો, જેમાં ભારતીય આર્મી, નેવી અને હવાઈ દળે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ભારતના હુમલામાં કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં જૈશ-એ-મહોમ્મદના ઠેકાણાને નિશાન બનાવ્યા છે. એના સિવાય મુઝફ્ફરાબાદના સેન્ટ્રલ ગ્રિડ સિસ્ટમ પર પણ મિસાઈલથી હુમલો કર્યો છે. ભારતે કરેલી સ્ટ્રાઈક અન્વયે મુરીદકમાં આતંકવાદી હાફિઝ સઈદના ઠેકાણાને નેસ્તાનાબુદ બનાવ્યું છે. જૈશ-એ-મોહમ્મદ ભારતના અનેક આતંકવાદી હુમલામાં સામેલ હતો. એનો સાગરીત મસૂદ અઝહર છે, જે 1999માં કંદહાર વિમાન હાઈજેક મામલામાં મુક્ત કરવામાં આવ્યો હતો. આતંકવાદી હાફિઝ સઈદ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ છે, જે 26/11ના મુંબઈના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.
ભારતે અગાઉ કરી હતી સર્જિકલ સ્ટ્રાઈક
28 સપ્ટેમ્બર 2016ની રાતના દેશ આખો સૂતો હતો ત્યારે વડા પ્રધાનના કાર્યાલયમાં મોટી હિલચાલ ચાલી રહી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમુક ઉચ્ચ અધિકારીઓની આગેવાની હેઠળ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદીઓના કેમ્પનો સફાયો કર્યો હતો. આ હુમલો 18 સપ્ટેમ્બર 2016માં ઉરી હુમલાનો જવાબ હતો. જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરના હુમલામાં ભારતીય સેનાના 18 જવાન શહીદ થયા હતા. આ હુમલાને કારણે દેશ આખામાં આક્રોશ હતો અને એનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. એના પછી 14 ફેબ્રુઆરીના 2019માં પુલવામા સીઆરપીએફના જવાનો પર હુમલો કર્યો હતો, જેમાં 40થી વધુ જવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી જૈશ મોહમ્મદ નામના આતંકવાદી સંગઠનોએ લીધી હતી, ત્યારબાદ ભારતે નિયંત્રણ રેખા પાર કરીને હવાઈ હુમલો કર્યો હતો. 26 ફેબ્રુઆરીના એટલે 12 દિવસ પછી પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી હતી.