નેશનલ

વડા પ્રધાન મોદીએ ઈશાન ભારતમાં વ્યૂહાત્મક સેલા ટનલ સહિત રૂ. 55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું

ઈટાનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈશાન ભારતમાં વ્યૂહાત્મક સેલા ટનલ સહિત કુલ રૂ. 55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. આ ટનલ અરુણાચલ પ્રદેશના તવાંગને બધી જ મોસમમાં કનેક્ટિવિટી આપવામાં મહત્ત્વપુર્ણ બની રહેશે.

વડા પ્રધાન દ્વારા અનાવરણ કરવામાં આવેલા પ્રોજેક્ટ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આવેલા છે.

સેલા ટનલનું બાંધકામ અંદાજે રૂ. 825 કરોડના ખર્ચે થયું છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે આ ટનલને અજાયબી માનવામાં આવી રહી છે. અરુણચાલ પ્રદેશના બાલીપારા-ચારીદૌર-તવાંગ રોડમાં સેલા પાસ બધા મોસમમાં કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી શકશે, એવું એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ ફેબ્રુઆરી-2019માં કરવામાં આવ્યો હતો. આનાથી આ ક્ષેત્રમાં પરિવહન ઝડપી અને અસરકારક જ નહીં બને, પરંતુ દેશ માટે તેનું વ્યૂહાત્મક મહત્ત્વ છે કેમ કે આ પાસ ચીન સાથેની સરહદ નજીક આવેલો છે.

વડા પ્રધાને સેલા ટનલનું ઉદ્ઘાટન અરુણાચલ પ્રદેશ રાજ્ય પરિવહનની બસને લીલી ઝંડી દાખવીને કર્યું હતું, જેણે ટનલમાં પ્રવાસ કર્યો હતો.

બધું મળીને વડા પ્રધાને અરુણાચલ પ્રદેશમાં રૂ. 41,000 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું.

તેમણે દિબાંગ વેલી જિલ્લામાં દિબાંગ મલ્ટિપરપઝ હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું ભૂમિપુજન કર્યું હતું. આને રૂ. 31,875 કરોડના ખર્ચે બાંધવામાં આવશે. આ દેશનું સૌથી ઊંચું બંધનું માળખું બની રહેશે.

તેમણે આ ઉપરાંત કેટલાક રોડ, પર્યાવરણ અને પ્રવાસન પ્રોજેક્ટના ભૂમિપૂજન કર્યા હતા. આ ઉપરાંત સ્કૂલોની સુધારણાનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો છે.

તેમણે રાજ્યમાં જલ જીવન મિશનના 1,100 પ્રોજેક્ટ, 170 ટેલિકોમ ટાવરનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી 300 ગામડાને ફાયદો થશે.

વડા પ્રધાને પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 450 કરોડને ખર્ચે બાંધવામાં આવેલા 35,000 ઘર પણ સ્થાનિકોને વિતરિત કર્યા હતા.

તેમણે મણિપુરમાં રૂ. 3,400 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું.

જે પ્રોજેક્ટના શિલાન્યાસ કરવામાં આવ્યા તેમાં નિલાકુઠી ખાતે યુનિટી મોલ, મંત્રીપુખરી ખાતે મણિપુર આઈટી એસઈઝેડનું પ્રોસેસિંગ યુનિટ, લેમ્પઝેલપાટ ખાતે 60 બેડની હોસ્પિટલ જેમાં સ્પેશ્યલાઈઝડ સાઈકિયાટ્રિસ્ટ સારવારની વ્યવસ્થા ધરાવતી અને ઈમ્ફાલ વેસ્ટ ડિસ્ટ્રિક્ટમાં મણિપુર ટેક્નિકલ યુનિવર્સિટીના માળળખાકીય વિકાસનો સમાવેશ થાય છે.

વડા પ્રધાને આ પ્રસંગે મણિપુરમાં અલગ અલગ રોડ પ્રોજેક્ટ અને પાણી પુરવઠા યોજનાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
તેમણે નાગાલેન્ડમાં રૂ. 1,700 કરોડના વિકાસના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું.

તેમણે શિલાન્યાસ કરેલા પ્રોજેક્ટમાં ચુમૌકેડિમા જિલ્લામાં યુનિટી મોલ, દીમાપુરના નાગારજન ખાતે 132 કેવીના સબ સ્ટેશનના અપગ્રેડેશનના કામનો સમાવેશ થાય છે. તેમણે રાજ્યના કેટલાક રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં ચેનડાંગ સેડલથી કોહિમા-જેસામી રોડનો સમાવેશ થાય છે.

મેઘાલયમાં વડા પ્રધાને રૂ. 290 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો તેમાં તુરા ખાતે આઈટી પાર્ક, ચાર લેનનો મોટો રોડ અને ન્યૂ શિલોંગ ટાઉનશીપમાં બે લેનના રોડને ચાર લેનના કરવાના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમણે અપર શિલોંગમાં ખેડૂતો માટે હોસ્ટેલ-કમ-ટ્રેનિંગ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

સિક્કિમમાં વડા પ્રધાને રૂ. 450 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. તેમણે કેટલાક રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું અને થારપુથી દારામદીનને જોડતા નવા રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું.

તેમણે ત્રિપુરામાં રૂ. 8,500 કરોડના વિકાસના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

તેમણે રાજ્યમાાં વિવિધ રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. જેમાં અગરતલા વેસ્ટર્ન બાયપાસનો સમાવેશ થાય છે. તેમણે ઈન્ડિયન ઓઈલના સેકેરકોટે ખાતે નવા ડેપોનું ભૂમિપૂજન કર્યું હતું. વડા પ્રધાને રાજ્યમાં વિવિધ રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું તેમ જ 1.46 લાખ ઘરોને નળના જોડાણના પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો.

તેમણે આ વિસ્તાર માટે નવી ઈન્ડસ્ટ્રિેયલ ડેવલપમેન્ટ યોજનાને ઉન્નતી (ઉત્તર પૂર્વ ટ્રાન્સફોર્મેટિવ ઈન્ડસ્ટ્રિયલાઈઝેશન) પણ શરૂ કરી હતી. આ યોજના હેઠળ ઈશાન ભારતમાં ઔદ્યોગિક ઈકોસિસ્ટમને મજબૂત કરવામાં આવશે, નવા રોકાણો આકર્ષવામાં આવશે. નવા ઉત્પાદન એકમો અને સેવા એકમો સ્થાપિત થતાં લોકોને રોજગાર મળશે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.

સમગ્ર ઈશાન ભારત માટે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ રીતે ભંડોળ આપીને રૂ. 10,000 કરોડની યોજના લાગુ કરવામાં આવી છે, જેમાં મૂડીલક્ષી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના આઠેય રાજ્યોને આવરી લેશે. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button