‘મારું કાર્યાલય પરીક્ષામાં પાસ થઇ ગયું..’ જાણો પીએમ મોદીએ આવું કોને કહ્યું?
નવી દિલ્હી: પીએમ મોદીએ હાલમાં જ ખ્રિસ્તી સમુદાય સાથે નાતાલનો તહેવારની ઉજવણી કરી હતી, જેનો એક વીડિયો તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી બાળકો સાથે હળવાશની પળો માણતા જોવા મળી રહ્યા છે. એ પછી આ બાળકોને પીએમ ઓફિસની ટીમ દ્વારા ઓફિસની તથા પીએમ આવાસની સફર કરાવવામાં આવી હતી. જેના પરથી પીએમ મોદીએ કહ્યું હતું કે ‘મારું કાર્યાલય પરીક્ષામાં પાસ થઇ ગયું.’
પીએમ મોદીએ 25 ડિસેમ્બરે નાતાલના તહેવારની ઉજવણી માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ખ્રિસ્તી સમુદાયના અનેક લોકો સામેલ થયા હતા. અભિનેતા ડિનો મોરિયા પણ તેમાં સામેલ થયા હતા. પીએમએ તમામ લોકોનું ઉષ્માભેર સ્વાગત કરી તેમની સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગનો એક વીડિયો પીએમ મોદીએ શેર કર્યો છે.
પીએમ મોદીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તેઓ બાળકોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. બાળકોએ વડા પ્રધાનને વિશ કર્યું હતું, અને તે પછી તેને પીએમ આવાસની યાત્રાએ લઇ જવાયા. પીએમ આવાસમાં બાળકોએ મીટિંગ રૂમ, કેબિનેટ રૂમ વગેરે અલગ અલગ પ્રકારના ઓરડાની મુલાકાત લીધી. તેમણે અલગ અલગ મંત્રીઓની નેમપ્લેટ જોઇ. બાળકોનું કહેવું હતું કે પીએમ આવાસ જોઇને અત્યંત આનંદ થઇ રહ્યો છે. આ અમારી માટે એક સારી તક હતી. અમે ઉત્સાહપૂર્વક પીએમ આવાસ નિહાળ્યું.
પીએમ મોદીએ વીડિયોના કેપશનમાં લખ્યું હતું કે “7, લોકકલ્યાણ માર્ગની યાત્રા કરનારા યંગ,જિજ્ઞાસુ લોકોને આજે એક શાનદાર અનુભવ મળ્યો. એવું લાગે છે જાણે મારું કાર્યાલય અલ્ટીમેટ ટેસ્ટમાં પાસ થઇ ગયું!”