
PM Modi in BRICS Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા ગયા છે. આ દરમિયાન તેણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વીપક્ષીય ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે પાંચ મહિનામાં બીજી વખત મુલાકાત થઈ હતી. પુતિન સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું, હું રશિયાને બ્રિક્સની સફળ અધ્યક્ષતા માટે અભિનંદન આપું છું, અનેક દેશ આ સમૂહમાં સામેલ થવા માંગે છે.
રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, અમે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના મુદ્દા પર સતત સંપર્કમાં છીએ. અમારું માનવું છે કે સમસ્યાઓ શાંતિપૂર્ણ રીતે ઉકેલવી જોઈએ. અમે શાંતિ અને સ્થિરતામાં વહેલા પાછા આવવાનું સંપૂર્ણ સમર્થન કરીએ છીએ. અમારા તમામ પ્રયાસોમાં માનવતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારત આવનારા સમયમાં તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે.
ભારત-રશિયાના સંબંધ બનશે ગાઢ
પીએમ મોદીએ કહ્યું, બ્રિક્સ સમિટમાં મને કઝાન જેવા ખૂબસુરત શહેરમાં આવવાનો મોકો મળ્યો તે મારા માટે ભાગ્યની વાત છે. આ શહેરની સાથે ભારતનો ઉંડો અને ઐતિહાસિક સંબંધ રહ્યો છે. કઝાનમાં ભારતની નવી કોન્સ્યૂલેટ ખોલવાથી આ સંબંધ વધુ મજૂબૂત થશે. જુલાઈમાં વાર્ષિક શિખર સંમેલનના પરિણામે દરેક ક્ષેત્રમાં સહયોગ મજબૂત થયો છે. ત્રણ મહિનામાં રશિયામાં મારી બીજી મુલાકાત ભારત અને રશિયા વચ્ચેનો ઘનિષ્ઠ સંબંધ અને ઊંડી મિત્રતા દર્શાવે છે.
પુતિને શું કહ્યું?
આ પણ વાંચો : ‘ભારત માતાકી જય’ ના નારા સાથે પીએમ મોદીનું રશિયામાં સ્વાગત…
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદી સાથે થયેલી દ્વિપક્ષીય ચર્ચામાં કહ્યું કે, મને અમારી જુલાઈની મુલાકાત યાદ છે, ત્યારે અમારી વચ્ચે અનેક વિષયો પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન અમે ઘણી વખત ટેલીફોન પર પણ વાત કરી છે. કઝાન આવવાનું આમંત્રણનો સ્વીકાર કરવા માટે હું તમારો આભારી છે. આ ઉપરાંત પુતિને કહ્યું, આજે અમે બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લઈશું અને ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરીશું. ભારત અને રશિયા બંને બ્રિક્સના સંસ્થાપર સભ્ય છે તેથી અમે બંને દેશો વચ્ચેના સહયોગને અત્યંત મહત્ત્વપૂર્ણ માનીએ છીએ. ભારત અને રશિયાના સંબંધો ઐતિહાસિક છે.