નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 118મી વખત માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ વખતે તેમણે મહાકુંભ, ગણતંત્ર દિવસ, બંધારણ, સ્પેસ સહિત અનેક મુદ્દા પર વાત કરી હતી.
આ પણ વાંચો : Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યું દેશનું બંધારણ માર્ગદર્શક, દરેક કસોટી પર ખરું ઉતર્યું
પીએમ મોદીએ કહ્યું, આ વખતે ગણતંત્ર દિવસ ખૂબ વિશેષ છે. ભારતીય ગણતંત્રની 75મી વર્ષગાંઠ છે. આ વર્ષે બંધારણ લાગુ થયાના 75 વર્ષ થઈ રહ્યા છે. આપણને પવિત્ર બંધારણ આપનારા તમામ મહાન વ્યક્તિઓને હું નમન કરું છું. જે બાદ તેમણે બાબાસાહેબ આંબેડકર, ડો.રાજેન્દ્ર પ્રસાદ, શ્યામા પ્રસાદ મુખર્જીના સંબોધનના અંશ સંભળાવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું, મહાકુંભનો ઉત્સવ વિવિધતામાં એકતાનો ઉત્સવ છે. કુંભની પરંપરા ભારતને એક તાંતણે બાંધે છે. મહાકુંભમાં યુવાઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કુંભમાં ગરીબ-અમીર તમામ આવે છે. એક તરફ પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં કુંભનું આયોજન થાય છે તો દક્ષિણમાં ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી નદીના તટ પર પુષ્કરમ થાય છે. આ દરમિયાન તેમણે ગંગાસાગર મેળાનો ઉલ્લેખ કરી કહ્યું, આ મેળો સદ્ભાવ, એકતાનો સંદેશો આપે છે.
અયોધ્યામાં ગત વર્ષે થયેલી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, પ્રાણ પ્રતિષ્ઠાની દ્વાદશી ભારતની સાંસ્કૃતિક ચેતનાની પુનઃપ્રતિષ્ઠાની દ્વાદશી છે. તેથી પોષ સુદ દ્વાદશીનો આ દિવસ એક રીતે પ્રતિષ્ઠા દ્વાદશીનો દિવસ પણ બની ગયો છે.
આ પણ વાંચો : Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યું આત્મનિર્ભરતા નીતિ નહિ જુસ્સો પણ, સફળતાના અનેક શિખરો સર કર્યા
પીએમ મોદીએ મન કી બાતમાં સ્પેસ અંગે પણ વાત કરી હતી. બેંગલુરુના ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટએપ પિકસલે ભારતના પ્રથમ ખાનગી સેટેલાઇટ તારામંડળ ફાયરફ્લાઈ સફળતાપૂર્વક લોન્ચ કર્યો તેમ કહેતા મને ગર્વ થાય છે. આ તારામંડળ વિશ્વનું સૌથી હાઈ રિઝોલ્યુશન હાઇપર સ્પેક્ટ્રલ સેટેલાઈટ તારામંડળ છે. થોડા દિવસ પહેલા આપણા વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમા મોટી સિદ્ધી મેળવી હતી. આપણા વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ્સનું સ્પેસ ડૉકિંગ કરાવ્યું હતું. જ્યારે અંતરિક્ષમાં બે ઉપગ્રહોને જોડવામાં આવે છે ત્યારે તેને સ્પેસ ડૉકિંગ કહેવાય છે. આ સફળતા મેળવનારો ભારત વિશ્વનો ચોથો દિવસ છે.
પીએમ મોદીએ કહ્યું, 25 જાન્યુઆરીએ નેશલન વોટર્સ ડે છે. આ દિવસ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ હોવાથી ખૂબ મહત્ત્વ છે. ચૂંટણી પંચે આપણી મતદાનની પ્રક્રિયાને આધુનિક બનાવી છે, મજબૂત કરી છે. થોડા દિવસો પહેલા સ્ટાર્ટઅપ ઈન્ડિયાના 9 વર્ષ પૂરા થયા હતા. આપણા દેશમાં જેટલા સ્ટાર્ટઅપ્સ 9 વર્ષમાં આવ્યા છે તે પૈકી અડધાથી વધારે Tier 2 Tier 3 શહેરોમાં છે.
આ પણ વાંચો : Mann Ki Baat: વડા પ્રધાને ‘ડાયરા’ની પરંપરા ઉલ્લેખ કર્યો, આ લોક કલાકારના ભરપુર વખાણ કર્યા
ક્યારે થઈ હતી મન કી બાતની શરૂઆત
પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમની શરૂઆત ઓક્ટોબર, 2014માં થઈ હતી. આ કાર્યક્રમને 22 ભારતીય ભાષા અને 29 બોલીઓ ઉપરાંત ફ્રેંચ, અરબી, ફારસી, પશ્તૂ સહિત 11 વિદેશી ભાષામાં પ્રસારિત કરવામાં આવે છે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના 500થી વધારે કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે.