પીએમ મોદીએ દેશભરમાં બીએસએનએલની 4G સેવાનો પ્રારંભ કરાવ્યો

લખનૌ : બીએસએનએલની 4G સેવાનો આજથી દેશભરમાં પ્રારંભ થયો છે. આ સેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોન્ચ કરવામાં આવી છે. ભારત સંચાર નિગમ લિમિટેડની 4G સેવા દેશભરના વિવિધ ટેલિકોમ સર્કલમાં શરૂ કરવામાં આવી છે. બીએસએનએલનું 4G નેટવર્ક 98,000 સાઇટ્સ પર એકસાથે શરૂ કરવામાં આવ્યું છે.
5G સેવા પર પણ કાર્ય કરી રહ્યું છે
આ ઉપરાંત બીએસએનએલ તેની 5G સેવા પર પણ કાર્ય કરી રહ્યું છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી કે વર્ષના અંત સુધીમાં બીએસએનએલ દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાં 5G સેવાઓ શરૂ કરી શકે છે.
તેમજ યુઝર્સને વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે કંપની ભવિષ્યમાં વધારાના 97,500 મોબાઇલ ટાવર લગાવશે.
4G નેટવર્ક વિકસાવવા રૂપિયા 37,000 કરોડ ખર્ચ
બીએસએનએલ નું 4G નેટવર્ક સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે. ભારત સંચાર નિગમ લિમિટેડની 4G સેવા માટે સોફ્ટવેર અને હાર્ડવેર ભારતમાં વિકસાવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં, ભારત હવે વિશ્વના ટોચના પાંચ દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં 4G નેટવર્ક સ્વદેશી ટેકનોલોજી પર કાર્ય કરે છે. આ નેટવર્ક વિકસાવવા માટે રૂપિયા 37,000 કરોડ ખર્ચવામાં આવ્યા છે.
2030 સુધીમાં ભારતમાં 6G સેવા લોન્ચ થવાની શક્યતા
પીએમ મોદીએ બીએસએનએલની 4G સેવા લોન્ચ કરવાની સાથે દેશના 6G નેટવર્કની તૈયારીની પણ વાત કરી હતી. કેન્દ્ર સરકારે 6G સેવા માટે રોડમેપ તૈયાર કરી લીધો છે. તેમજ વર્ષ 2030 સુધીમાં ભારતમાં 6G સેવા લોન્ચ થવાની શક્યતા છે.
આ પણ વાંચો…બીએસએનએલના ગ્રાહકો માટે ખુશખબર, જલ્દી મળશે મોબાઇલ નેટવર્કની સમસ્યામાંથી રાહત