PM Modi બે દિવસની ઐતિહાસિક મુલાકાતે કુવૈત પહોંચ્યા, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
કુવૈત : ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બે દિવસની(PM Modi Kuwait Visit)મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. પીએમ મોદીએ કુવૈત શહેરમાં 101 વર્ષીય ભૂતપૂર્વ IFS અધિકારી મંગલ સૈન હાંડા સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈત શહેરની બે દિવસની મુલાકાતે છે. છેલ્લા 43 વર્ષમાં ભારતીય પ્રધાન મંત્રીની કુવૈતની આ બીજી મુલાકાત છે. તેમના પહેલા પૂર્વ પ્રધાન મંત્રી ઈન્દિરા ગાંધી કુવૈત ગયા હતા. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ભારત અને કુવૈતના સંબંધો નવી ઉંચાઇ હાંસલ કરી શકે તેવી શકયતા છે.
ભાવિ ભાગીદારી માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની તક પૂરી પાડશે
કુવૈતની બે દિવસીય મુલાકાતે જતા પૂર્વે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે, ભારત અને ખાડી દેશોના પશ્ચિમ એશિયાઈ ક્ષેત્રની શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં સમાન હિત છે પ્રધાન મંત્રી મોદી એવા સમયે કુવૈતની મુલાકાતે છે જ્યારે બે સપ્તાહ પહેલા સીરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદનું શાસનનો અંત આવ્યો છે અને ઈઝરાયેલે સીરિયાના અમુક ભાગો પર કબજો કર્યો છે. કુવૈત પ્રસ્થાન પહેલા એક નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું કે કુવૈતના ટોચના નેતૃત્વ સાથે તેમની વાતચીત ભારત અને કુવૈત વચ્ચે ભાવિ ભાગીદારી માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની તક પૂરી પાડશે. અમે કુવૈત સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ જે પેઢીઓ સુધી ચાલે છે.
કુવૈતમાં ભારતીય પ્રવાસીને મળવા માટે ઉત્સુક
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અમે માત્ર વેપાર અને ઉર્જા ક્ષેત્રે જ મજબૂત ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતામાં પણ અમારું સમાન હિત છે. તેમણે કહ્યું, હું કુવૈતમાં ભારતીય પ્રવાસીને મળવા માટે ઉત્સુક છું, જેમણે બંને દેશો વચ્ચે મહાન સહકાર જોયો છે. તેમણે મિત્રતાના બંધનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.