પીએમ મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન વચ્ચે આતંકવાદ સહિતના મુદ્દે ટેલિફોન પર ચર્ચા…

નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ટેલિફોન પર મહત્વપૂર્ણ વાતચીત કરી હતી. આ બંને નેતાઓએ બે દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અને આતંકવાદ સામે સંયુક્ત રીતે લડવા મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી. આ અંગેની માહિતી પીએમ મોદીએ તેમના એકસ હેન્ડલ પર શેર કરી છે. જેમાં તેમણે ઇઝરાયલના વડાપ્રધાન અને ઇઝરાયલના લોકોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી.
આતંકવાદ સામેની લડાઈ પર બંને નેતાઓ વચ્ચે વાતચીત
આ અંગે પીએમ મોદી એક્સ પર લખ્યું કે, મારા મિત્ર, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરવાનો અને તેમને અને ઇઝરાયલના લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવાનો આનંદ થયો. અમે આગામી વર્ષમાં ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી. હતી. અમે દેશની પરિસ્થિતિ પર અમારા વિચારો પણ શેર કર્યા અને આતંકવાદ સામે વધુ મજબૂતીથી લડવાના અમારા સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો છે.
આ અગાઉ 10 ડિસેમ્બરના રોજ કરી હતી વાત
આ અગાઉ, બંને દેશોના વડાપ્રધાનોએ 10 ડિસેમ્બર 2025ના રોજ ફોન પર વાત કરી હતી. વડાપ્રધાન નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો હતો, અને બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ બંને નેતાઓએ આતંકવાદની સખત નિંદા કરી અને આતંકવાદના તમામ સ્વરૂપો પ્રત્યે કોઈ ઉદારતા ન દાખવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.



