!["PM Modi addressing US media at a press conference, emphasizing his readiness to bring back illegal migrants."](/wp-content/uploads/2025/02/pm-modi-illegal-migrants-us-presser.webp)
વોશિંગ્ટનઃ વડાપ્રધાન મોદી તેમની યુએસ મુલાકાત માટે રાજધાની વોશિંગ્ટન ડીસીમાં છે. વ્હાઇટ હાઉસ ખાતે તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવા વેપાર સંબંધોને મજબૂત બનાવવા અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર સ્પષ્ટ નીતિ અપનાવવા અંગે ભારતે પોતાના સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ઘર વાપસી થશે પણ…
અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ભારત વાપસીના સવાલ પર પીએમ મોદીએ જણાવ્યું હતું કે જે લોકો ગેરકાયદેસર રીતે કોઈ પણ દેશમાં પ્રવેશ કરે છે તેમને ત્યાં રહેવાનો કાયદેસર રીતે કોઈ અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે તો ભારત ફક્ત એવા જ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાછા લેશે જેઓ પ્રમાણિત ભારતીય છે. આ ઉપરાંત માનવ તસ્કરી સામે પણ કડક પગલાં લેવા પડશે એમ તેમણે જણાવ્યું હતું.
Also read: ટ્રમ્પની જીત બાદ ઇમિગ્રન્ટ્સનું મોટા પાયે પલાયન! કેનેડિયન પ્રસાશન હાઈ અલર્ટ પર
માનવ તસ્કરી રોકવી જરૂરીઃ-
પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ મુદ્દો લાગે છે તેટલો સામાન્ય નથી. અહીં ગરીબ લોકોને લાલચ આપીને લાવવામાં આવે છે. તેમને સપના બતાવવામાં આવે છે. આ પણ તેમની સાથે અન્યાય છે, તેથી આપણે માનવ તસ્કરી સામે પણ પગલાં લેવાની જરૂર છે. મને આશા છે કે રાષ્ટ્રપતિ માનવ તસ્કરીના નેટવર્કને ખતમ કરવા માટે ભારતનો સંપૂર્ણ સહયોગ કરશે.
આતંકવાદના મુદ્દે શું બોલ્યા પીએમ મોદી?
રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ સરહદપારના આતંકવાદનો મુદ્દો પણ ઉખેડ્યો હતો અને જણાવ્યું હતું કે સરહદ પારના આતંકવાદ સામે પણ કડક કાર્યવાહી જરૂરી છે. ભારત અને અમેરિકા આતંકવાદ સામે લડવામાં સહયોગ કરશે. મને ખુશી છે કે ટ્રમ્પે 26/11 હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાપણને મંજૂરી આપી છે, આ માટે હું ટ્રમ્પનો આભાર માનું છું. ભારતની કોર્ટમાં તેની સામે ઉચિત કાર્યવાહી કરી ન્યાય કરવામાં આવશે. ભારત અને અમેરિકા બંનેનું માનવું છે કે બંને દેશો વચ્ચેથી ભાગીદારી એક સારી દુનિયાને આકાર આપી શકે છે.
અદાણી વિશે શું બોલ્યા પીએમ મોદી?
પીએમ મોદીને જ્યારે ગૌતમ અદાણી વિશે પૂછવામાં આવ્યું કે શું તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ગૌતમ અદાણી કેસની ચર્ચા કરી? ત્યારે પીએમ મોદીએ જવાબ આપ્યો હતો કે, ભારત એક લોકશાહી દેશ છે અને દેશની પરંપરા ‘વસુધૈવ કુટુંબકમ’ ની રહી છે અર્થાત આપણે સમગ્ર વિશ્વને એક પરિવાર માનીએ છીએ. દરેક ભારતીય મારો પરિવાર છે અને જ્યારે બે દેશના ટોચના નેતાઓ મળે છે ત્યારે તેઓ ક્યારેય આવા અંગત મુદ્દા પર વાત નથી કરતા.