નેશનલ

પીએમ મોદીએ આપી 4 નવી ‘વંદે ભારત’ ટ્રેનની ભેટ! કહ્યું, “ભારતીયોની, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવેલી ટ્રેન”

વારાણસી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તર પ્રદેશના વારાણસીથી એક મોટી ભેટ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બનારસ (વારાણસી) રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને (Vande Bharat Express) લીલી ઝંડી (flags off)આપી હતી. આ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો બનારસ–ખજુરાહો, લખનઉ–સહારનપુર, ફિરોઝપુર–દિલ્હી, અને એર્નાકુલમ–બેંગલુરુ રૂટ પર દોડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર રૂટ પર નવી વંદે ભારત એક્સ્પ્રેસને લીલી ઝંડી આપી હતી. જેમાં વારાણસી – ખજુરાહો, લખનઉ – સહારનપુર, ફિરોઝપુર – દિલ્હી, એર્નાકુલમ – બેંગલુરુનો સમાવેશ થાય છે. વંદે ભારત એક્સપ્રેસ વારાણસીથી ખજુરાહો પહોંચવામાં 2 કલાક 40 મિનિટનો સમય લેશે. જેનાથી વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહો જેવા ધાર્મિક-સાંસ્કૃતિક સ્થળોને જોડાશે. લખનઉ અને સહારનપુર વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ 7 કલાક 45 મિનિટમાં મુસાફરી પૂર્ણ કરશે. આ વંદે ભારત એક્સપ્રેસથી લખનઉ, સીતાપુર, શાહજહાંપુર, બરેલી, મુરાદાબાદ, બિજનૌર અને સહારનપુરના મુસાફરોને ફાયદો મળી રહેવાનો છે. તે ઉપરાંત હરિદ્વાર જનારા મુસાફરોને પણ તેનો લાભ મળી રહેવાનો છે.

ફિરોઝપુરથી દિલ્હી વચ્ચે દોડનારી વંદે ભારત એક્સપ્રેસ 6 કલાક 40 મિનિટનો સમય લેશે. જોકે, આ ટ્રેન ફિરોઝપુર-દિલ્હી રૂટની સૌથી ઝડપી ટ્રેન હશે. આ ટ્રેન પંજાબના મુખ્ય શહેરો જેવા કે ફિરોઝપુર, ભટિંડા, પટિયાલાનું અને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડાણ મજબૂત કરશે. આ સિવાય એર્નાકુલમ – બેંગલુરુ રૂટ પરની વંદે ભારત એક્સપ્રેસ 8 કલાક 40 મિનિટનો સમય લેશે. જોકે, આ ટ્રેન અન્ય ટ્રેન કરતા 2 કલાક જલદી પહોંચાડશે. જે કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના મુખ્ય IT અને વ્યાપારી કેન્દ્રોને જોડશે. આ વંદે ભારત એક્સપ્રેસથી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓની મુસાફરીના સમયની બચત થશે.

વંદે ભારત ટ્રેન એટલે ભારતીયો માટેની ટ્રેન

આ પ્રસંગે તેમણે પોતાના સંબોધનની શરૂઆત ભોજપુરીમાં કરી હતી અને તેમણે કહ્યું હતું કે વિશ્વભરના વિકસિત દેશોમાં આર્થિક વિકાસનું એક મોટું કારણ પાયાનું માળખું રહ્યું છે. જે દેશોએ ઘણી પ્રગતિ અને વિકાસ જોયો છે, ત્યાં માળખાકીય સુવિધાઓનો વિકાસ તેમની પ્રગતિ પાછળ એક મોટી શક્તિ રહી છે. કેટલા એરપોર્ટ બન્યા છે, કેટલી વંદે ભારત ટ્રેનો ચાલી છે, આ બધી વસ્તુઓ વિકાસ સાથે જોડાયેલી છે. વડાપ્રધાને કહ્યું કે, “વંદે ભારત એક એવી ટ્રેન છે જે ભારતીયોની, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનાવવામાં આવી છે, જેના પર દરેક ભારતીયને ગર્વ છે. આજે જે રીતે ભારતે વિકસિત ભારત માટે પોતાના સંસાધનોને બહેતર બનાવવા માટે અભિયાન શરૂ કર્યું છે, તેમાં આ ટ્રેનો એક સીમાચિહ્નરૂપ સાબિત થવા જઈ રહી છે. આજે આ ટ્રેનોને જોઈને વિદેશી મુસાફરો પણ આશ્ચર્યચકિત થાય છે.”

તેમણે કહ્યું કે પ્રયાગરાજ, અયોધ્યા, હરિદ્વાર, ચિત્રકૂટ, કુરુક્ષેત્ર જેવા અનેક તીર્થસ્થળો આપણી આધ્યાત્મિક યાત્રાના કેન્દ્રો છે. આજે જ્યારે આ પવિત્ર સ્થળોને વંદે ભારત નેટવર્ક સાથે જોડવામાં આવી રહ્યા છે, ત્યારે એક તરફ ભારતની સંસ્કૃતિ, આસ્થા અને વિકાસ યાત્રાનું એકીકરણ થયું છે. આ ભારતનાં વારસાના શહેરોને દેશના વિકાસનું પ્રતીક બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

આ પણ વાંચો…દેશને એકસાથે મળશે ચાર વંદે ભારત ટ્રેનની ભેટ, શનિવારે પીએમ મોદી આપશે લીલીઝંડી, ચેક કરી લો રુટ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button