
નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર (Firing on Donald Trump) ની ઘટના ને કારણે અમેરિકા(USA) ઉપરાંત દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે, પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન તેમના પર ગોળી ચલવવામાં આવી હતી. સદભાગ્યે ગોળી તેમને વાગી ન હતી, તેમના ચહેરા અને કાન પર થોડી ઈજા પહોંચી હોવાના અહેવાલ છે. આ હુમલાની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) સહીત દુનિયાભરના આગેવાનોએ આ હુમલાને વખોડી કાઢ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે હું મારા મિત્ર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા બાબતે ખૂબ જ ચિંતિત છું. હું આ ઘટનાની સખત નિંદા કરું છું. રાજકારણ અને લોકશાહીમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. હું તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. અમારી ભાવના અને પ્રાર્થના મૃતકોના પરિવારજનો, ઘાયલો અને અમેરિકન લોકો સાથે છે.
જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ ગોળીબાર અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું. “આપણે લોકશાહીને પડકારતી કોઈપણ પ્રકારની હિંસા સામે અડગ રહેવું જોઈએ, હું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.” જાપાને પણ તાજેતરમાં જ રાજકીય હિંસા જોઈ છે, વર્ષ 2022માં ચૂંટણી માટે પ્રચાર કરતી ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે પર ગોળીબાર થયો હતો, જેમાં તેમનું મૃત્યુ થયું હતું.
ઇઝરાયેલના વિદેશ પ્રધાને કહ્યું કે, “અમે ટ્રમ્પના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. હિંસા ક્યારેય રાજકારણનો ભાગ બની શકતી નથી.”
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ બાઈડેને પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી છે. અગાઉ, બાઈડેને ગોળીબારની નિંદા કરી હતી, તેમણે હુમલાને “ઘૃણાસ્પદ” કૃત્ય ગણાવ્યું છે. તેમણે કહ્યું કે “અમેરિકામાં આ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી”.
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની રેલીમાં થયેલા ગોળીબારથી હું આઘાતમાં છું અને દુઃખી છું, સદભાગ્યે તેઓ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે અમેરિકામાં રાજકીય હિંસા માટે કોઈ સ્થાન નથી અને આપણે બધાએ તેની નિંદા કરવી જોઈએ.
| Also Read: Donald Trump ચૂંટણી રેલીમાં ફાયરિંગ થયું, ઘાયલ થયા, બિડેને કહ્યું હિંસાને કોઇ સ્થાન નહિ
ટ્રમ્પ જ્યારે સ્ટેજ પરથી સંબોધન આપી રહ્યા હતા ત્યારે ગોળીઓ ચલાવવામાં આવી હતી. ટ્રમ્પને યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટ દ્વારા આવરી લેવામાં આવ્યા હતા. એજન્ટોએ ટ્રમ્પને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી. ટ્રમ્પના ચહેરા અને કાન પર લોહી દેખાતું હતું. આ પછી સિક્રેટ સર્વિસના એજન્ટ્સે ડોનાલ્ડ ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતાર્યા હતા.