નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દેશમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી રહ્યા છે. આજે ગુરૂગ્રામમાં તેમણે એક કાર્યક્રમમાં દેશભરમાં એક લાખ કરોડ રૂપિયાના ખર્ચવાળા લગભગ 112 રાષ્ટ્રીય હાઈ-વે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે પહેલાની સરકારો નાની યોજના બનાવીને નાનો કોઈ કાર્યક્રમ કરીને તેનો જોરદાર પ્રચાર પાંચ વર્ષ સુધી કરતા રહેતા હતા. ભાજપ સરકાર જે ઝડપથી કામ કરી રહી છે તેના લોકાર્પણ અને શિલાન્યાસ માટે દિવસો ઓછા પડી રહ્યા છે.
દેશમાં ઝડપથી થઈ રહેલા વિકાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2024ના હજુ માત્ર ત્રણ મહિના પણ પુરા થયા છે, અને આટલા સમયમાં 10 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થઈ ચુક્યુ છે. આ માત્ર તે પ્રોજેક્ટ છે જેમાં તે પોતે સામેલ થયા છે. તે ઉપરાંત મારા મુખ્યમંત્રીઓ અને મંત્રીઓેએ પણ વિકાસ પરિયોજના અને લોકાર્પણ કર્યુ છે.
પીએમ મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે ગુરૂગ્રામનો ચહેરો સતત બદલાઈ રહ્યો છે. મને યાદ છે કે મનોહર લાલજીની બાઈક પર બેસીને ગુડગાવ આવતો હતો. અમે આજે પણ સાથે છીએ અને તમારૂ ભવિષ્ય પણ સાથે છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતો કહ્યું કે પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યાં દ્વારકા એક્સપ્રેસ-વેનું નિર્માણ થઈ રહ્યું છે એક સમય હતો કે જ્યારે સાંજ પડતા જ લોકો આ તરફ આવવાનું ટાળતા હતા. ટેક્સી ડ્રાઈવરો પણ આવવાનો ઈન્કાર કરી દેતા હતા. આ સમગ્ર વિસ્તારને અસુરક્ષિત માનવામાં આવતો હતો, પરંતુ આજે અનેક કંપનીઓ અહીં આવીને પ્રોજેક્ટ લગાવી રહી છે. આ વિસ્તાર એનસીઆરનો સૌથી ઝડપથી વિકસતો વિસ્તારો બન્યો છે. 21મી સદીનું ભારત મોટા વિઝનનું ભારત છે. આ મોટા લક્ષ્યોનું ભારત છે. આજનું ભારત પ્રગતિની તેજ ગતિ સાથે કોઈ સમજૂતી નહીં કરે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે ના હુ નાનું વિચારી શકું છું કે ના હું નાના સપના જોઉઁ છું, જે પણ જોઈએ તે મોટું જોઈએ, જલ્દી જોઈએ કોંગ્રેસ અને તેના ઘમંડી ગઠબંધનને વિકાસના કામોથી સૌથી વધુ પ્રોબ્લેમ છે, જો કે કોંગ્રેસ અને તેના ગઠબંધને ચશ્મા નથી બદલ્યા બધું જ નકારાત્મક બધુ જ નેગેટીવ વિચારી રહી છે.
પ્રધાન મંત્રી મોદીએ ઐતિહાસિક દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા પ્રભાગનું ઉદઘાટન કર્યું છે, તેનાથી નેશનલ હાઈ-વે-48 પર દિલ્હી અને ગુરૂગ્રામ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન ઝડપી અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. પીએમ મોદીએ જે પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું તેમાં દિલ્હીમાં નાંગલોઈ-નઝફગઢ રોડથી સેક્ટર 24 દ્વારકા સુધી 9.6 કિમી 6 લાઈનવાળા શહેરી શહેરી-2નો સમાવેશ થાય છે. હિમાચલ પ્રદેશમાં લગભગ 3,400 કરોડ રૂપિયાના ખર્ચવાળા નેશનલ હાઈ-વે 21ના કિરતરપુરથી નેરચોકનું પણ ઉદઘાટન કર્યું હતું.