નેશનલ

વડા પ્રધાન પછી રાષ્ટ્રપતિએ પણ ડીપફેક અંગે વ્યકત કરી ચિંતા

નવી દિલ્હી: વધતી જતી ટેકનોલોજી લોકો માટે જેટલી લાભદાયી છે તેટલી જ હવે મોટી સમસ્યા પણ બની રહી છે. AI આવ્યા બાદ તો આ ટેકનોલોજી વધુ ખતરનાક બની ગઇ છે. કારણ કે લોકો હવે AIનો ઉપયોગ કરીને ડીપફેક ફોન્ટના વીડિયો પણ બનાવવા લાગ્યા છે. જે ભવિષ્યમાં મોટો ખતરો સાબિત થઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને 18 નવેમ્બરના રોજ આ બાબતે પોલીસ અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે પોલીસ અધિકારીઓએ પણ ટેકનોલોજીના ક્ષેત્રમાં હંમેશા અપડેટ રહેવાની જરૂર છે. નોંધનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ પણ ડીપફેક અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ ભવન ખાતે 2022 બેચના ભારતીય પોલીસ સેવાના પ્રોબેશનર્સ અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે પોલીસ સામે સાયબર ક્રાઈમ, ડ્રગ સ્મગલિંગ, ડાબેરી ઉગ્રવાદ અને આતંકવાદ જેવા પડકારો તો ઊભા જ છે. પરંતુ અત્યારે નવી ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે સંજોગો ઝડપથી બદલાઈ રહ્યા છે.


જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ ગુનેગારો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે ડીપફેક જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે. ત્યારે પોલીસ અધિકારીઓને હંમેશા નવી ટેક્નોલોજી સાથે અપડેટ રહેવું પડશે જેથી તેઓ ગુનેગારોને પકડી શકે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા અને પોલીસ વહીવટ રાજ્ય સરકારની જવાબદારી છે. IPS અધિકારીઓ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત પોલીસ કર્મચારીઓનું નેતૃત્વ કરે છે. ત્યારે આર્થિક અને સામાજિક વિકાસ માટે કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવી ખૂબ જ જરૂરી છે.


વૈશ્વિક, રાષ્ટ્રીય કે સ્થાનિક સ્તરે ઉદ્યોગપતિઓ ત્યારે જ રોકાણ કરે છે જ્યારે કાયદો અને વ્યવસ્થા મજબૂત હોય. આમ જોઇએ તો પોલીસ વિભાગ કોઈપણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાની વાતમાં ખાસ એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને દેશને એકતા રાખવામાં પોલીસ દળનું અજોડ યોગદાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button