શહજાદાએ મહારાજાઓનું અપમાન કર્યું, પરંતુ નવાબોના અત્યાચાર પર ચુપ્પી સાધી: વડા પ્રધાને રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી
બેલગાવી (કર્ણાટક): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ભારતના રાજા મહારાજાઓનું અપમાન કરવાનો અને બીજી તરફ તુષ્ટીકરણની રાજનીતિ કરવા માટે નવાબો, નિઝામો, સુલતાનો અને બાદશાહો દ્વારા આચરવામાં આવેલા અત્યાચાર પર ચુપ્પી સાધીને બેવડું વલણ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
એક પ્રચાર રેલીને બેલગાવીમાં સંબોધતાં તેમણે કહ્યું હતું કે ઈતિહાસ અને સ્વાતંત્ર્ય ચળવળ અંગેનાં લખાણોમાં વોટબેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને તુષ્ટિકરણને સુનિશ્ર્ચિત કર્યું હતું. આજની તારીખે કૉંગ્રેસના શહજાદા તે પાપ આગળ લઈ જઈ રહ્યા છે. તમે કદાચ શહજાદાનું તાજેતરનું નિવેદન સાંભળ્યું હશે, જેમાં તે કહે છે કે ભારતના રાજાઓ અને મહારાજાઓ અત્યાચારી હતા. ત્યારબાદ તેમણે એમ કહ્યું હતું કે શહજાદાએ રાજા મહારાજાઓ પર ગરીબો અને લોકોની જમીનો અને મિલકતો હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો, તેમણે છત્રપતિ શિવાજી મહારાજ અને કિત્તુર રાણી ચેન્નમ્મા જેવી મહાન હસ્તીઓનું અપમાન કર્યું છે.
મૈસુરના રાજવંશના યોગદાનને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના શહજાદાના નિવેદન ઈરાદાપૂર્વકના અને મતબેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને તુષ્ટીકરણ માટે કરવામાં આવ્યા હતા.
શહજાદાએ રાજા-મહારાજા માટે અપમાનાસ્પદ નિવેદન કર્યા હતા, પરંતુ નવાબો, નિઝામો, સુલતાનો અને બાદશાહો દ્વારા કરવામાં આવેલા અત્યાચાર અંગે બોલતાં તેમના મોં પર તાળાં લાગી ગયાં હતાં. તેમનું મોં તેમના પર સિવાઈ ગયું હતું, પરંતુ રાજા-મહારાજા માટે તેઓ ખરાબ બોલે છે અને તેમનું અપમાન કરે છે, એમ પણ તેમણે કહ્યું હતું.
રાહુલ ગાંધીને ઔરંગઝેબ દ્વારા કરવામાં આવેલા અત્યાચારો યાદ આવતા નથી. તેમણે આપણાં સંખ્યાબંધ મંદિરોને અપવિત્ર કર્યાં અને તેમને તોડી પાડ્યાં હતાં. કૉંગ્રેસ ખુશી ખુશી ઔરંગઝેબની પ્રશંસા કરનારા લોકો સાથે ગઠબંધન કરે છે. તેમને યાદ નથી આવતું કે આપણાં ધાર્મિક સ્થળો કોણે તોડ્યાં? લોકોની હત્યાઓ કરી, ગાયોની હત્યાઓ કરી. તેમને યાદ નથી આવતું કે નવાબે કેવી રીતે દેશના ભાગલા કરાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
તેમણે બનારસના રાજા દ્વારા બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના કરીને આપેલા યોગદાન અને મહારાણી અહિલ્યાબાઈ હોળકર દ્વારા મંદિરોના પુન:નિર્માણ કરીને આપવામાં આવેલા યોગદાનને યાદ અપાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે વડોદરાના મહારાજાએ આંબેડકરની ક્ષમતા પિછાણી હતી. કૉંગ્રેસના શહજાદાને રાજા-મહારાજાઓના યોગદાન યાદ રહેતા નથી. વોટ બેન્કના રાજકારણ માટે તેઓ રાજા-મહારાજાઓની વિરુદ્ધ બોલવાની હિંમત દાખવી શકે છે, પરંતુ નવાબો, સુલતાનો અને બાદશાહો વિરુદ્ધ બોલવાની હિંમત ચાલતી નથી. કૉંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિનો પર્દાફાશ થઈ ગયો છે અને તેમના ચૂંટણીઢંઢેરામાં પણ તે સ્પષ્ટ થઈ રહ્યું છે.
રાજ્યમાં કૉંગ્રેસની સરકાર આવી ત્યારથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે બેલગાવીમાં આદિવાસી મહિલા પર અત્યાચાર થયો. ચિક્કોડીમાં જૈન સાધુની હત્યા કરવામાં આવી હતી.
હુબલીમાં નેહા હીરેમઠ નામની વિદ્યાર્થિનીની કોલેજના પરિસરમાં હત્યા કરવામાં આવી હતી. આ કિસ્સામાં તો તુષ્ટિકરણના રાજકારણ માટે અત્યાચારી સામે કાર્યવાહી કરવામાં આવી નહોતી એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)