ટોપ ન્યૂઝનેશનલ

પહેલગામ આતંકી હુમલાની ગંભીરતા જોતાં PM મોદીએ રદ્દ કર્યો સાઉદીનો પ્રવાસ; ભારત આવવા રવાના…

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં 28 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ હુમલાની જવાબદારી લશ્કર એ તૈયબાએ લીધી હોવાની આશંકા છે. આ મૃતકોમાં જેમાં મોટાભાગે પ્રવાસીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં બે વિદેશી અને બે સ્થાનિક લોકોનો પણ સમાવેશ થતો હોવાના અહેવાલ છે. આ હુમલામાં ગુજરાતના પણ પ્રવાસીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાં ગુજરાતના એક પ્રવાસીનું મોત થયું હોવાના પણ અહેવાલ છે.

ભાવનગરના વિનોદભાઈ ડાભી ઘાયલ

ભાવનગરના વતની વિનોદભાઈ ડાભી ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ભાવનગર કલેકટર ડો. મનીષકુમાર બંસલના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત ભાવનગરના વ્યક્તિ છે અને તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે અને તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાની વિગતો છે. હાલ કાશ્મીરમાં મોરારીબાપુની કથા ચાલી રહી હોય લોકો આવ્યા હોવાના અહેવાલ છે. એવી પણ વિગતો છે કે 20 લોકો પૈકી 2 લોકો ગુમ થયા છે.

અહેવાલો અનુસાર કોચીમાં ફરજ બજાવતા ભારતીય નૌકાદળના એક અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ (ઉંમર 26 વર્ષ)નું પણ પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ હરિયાણાના વતની હતા અને 16 એપ્રિલે તેમના લગ્ન થયા હતા. તે ઉપરાંત પહેલગામ આતંકવાદી હુમલામાં આઈબી અધિકારીનું મોત થયું હોવાની પણ વિગતો છે.

હુમલામાં પર્યટકોની સાથે સ્થાનિક લોકો બન્યા શિકાર
સૂત્રોના જણાવ્યા અનુસાર અહીંના વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો, ત્યાર બાદ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ હુમલામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

PM મોદીએ રદ્દ કર્યો સાઉદીનો પ્રવાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની કડક નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ હુમલામાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે આ કાયરતાપૂર્ણ હુમલા પાછળના લોકોને ટૂંક સમયમાં ન્યાયના લાવવામાં આવશે. આ સંદર્ભમાં, પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાઉદી અરેબિયાનો પ્રવાસ રદ કરી દીધો હોવાના અહેવાલ છે અને તાત્કાલિક ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.

અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠક
ત્યારબાદ અમિત શાહ કાશ્મીર પહોંચ્યા હતા અને તમામ સુરક્ષા એજન્સીઓ સાથે કટોકટી સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી અને આ માટે તેઓ શ્રીનગર જવા રવાના થયા હતા. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સેના, પોલીસ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. ઘટના બાદ પહેલગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. સેના, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આતંકી હુમલામાં બધા ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

સેનાનું મોટું ઓપરેશન

પ્રાપ્ત માહિતી અનુસાર, મોટા આતંકવાદી હુમલા બાદ આતંકવાદીઓને ખતમ કરવા માટે એક મોટું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશન ભારતીય સેનાના વિક્ટર ફોર્સ અને સ્પેશિયલ ફોર્સ, જમ્મુ અને કાશ્મીર પોલીસના SOG અને CRPF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો હાજર છે. સેનાના અધિકારીઓ પણ વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મુંબઈ પોલીસ એલર્ટ
પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ મુંબઈ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તેમના અધિકાર ક્ષેત્રોમાં સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બધા વરિષ્ઠ પોલીસ નિરીક્ષકો (SPI) અને ઝોનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) ને તેમના અધિકારક્ષેત્રોમાં વધુ સતર્ક અને સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમજ પોલીસ મહાનગરના વિવિધ સ્થળોએ નાકાબંધી કરી રહી છે.

કેરળ હાઈકોર્ટના ત્રણ જજ બચી ગયા
આ દરમિયાન કેરળ હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશો અને તેમના પરિવારો સાથે મંગળવારના પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં માંડ માંડ બચી ગયા હતા, કારણ કે આ હુમલાના થોડા કલાકો પહેલા જ તેઓ આ વિસ્તારથી નીકળી ગયા હતા, જેમાં 28થી વધુ લોકોના મોત થયું હોવાના અહેવાલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button