દેશવાસીઓ 75 વર્ષથી સાંપ્રદાયિક સિવિલ કોડ સાથે જીવી રહ્યા છે, વડા પ્રધાન મોદીની જાહેરાત
દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસ નિમિતે આપેલા સંબોધનમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાના મહત્વ પર જોર આપ્યું હતું. તેમણે વર્તમાન નાગરિક સંહિતાને “સાંપ્રદાયિક” ગણાવી હતી અને બિનસાંપ્રદાયિક કોડ લાગુ કરવાની હિમાયત કરી હતી.
લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદીએ કહ્યું કે જે કાયદાઓ દેશને ધર્મના નામે વિભાજિત કરે છે તેને હટાવવા જોઈએ. દેશમાં સેક્યુલર સિવિલ કોડની જરૂર છે અને આધુનિક સમાજમાં અયોગ્ય કાયદાને કોઈ સ્થાન નથી. વર્તમાન સિવિલ કોડ સાંપ્રદાયિક સિવિલ કોડ છે. હવે આપણને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની જરૂર છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ‘ભારતના 140 કરોડ લોકોની ફરજ છે કે તેઓ નાગરિક તરીકે તેમની ફરજો નિભાવે અને હું આ અંગે ચર્ચા કરવા માંગુ છું. સાંપ્રદાયિક અને ભેદભાવપૂર્ણ કાયદાને કોઈ સ્થાન નથી, આપણને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા જોઈએ છે.’
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ અંગે વારંવાર ચર્ચા કરી છે, તેણે અનેકવાર આદેશો આપ્યા છે. દેશનો એક મોટો વર્ગ માને છે કે આપણે જે સિવિલ કોડ સાથે જીવી રહ્યા છીએ તે ખરેખર એક રીતે સાંપ્રદાયિક નાગરિક સંહિતા છે.
વડાપ્રધાને કહ્યું કે લોકો 75 વર્ષથી સાંપ્રદાયિક નાગરિક સંહિતા સાથે જીવી રહ્યા છે. તેમણે ધાર્મિક ભેદભાવને દૂર કરવા માટે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા અપનાવવાની તાકીદ પર ભાર મૂક્યો હતો.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. બંધારણના ચોથા ભાગમાં, રાજ્યની નીતિના નિર્દેશક સિદ્ધાંતોનું વિગતવાર વર્ણન છે, જેમાં કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની સરકારની જવાબદારી છે.