Top Newsગીર સોમનાથનેશનલ

“સોમનાથ માત્ર મંદિર નથી, ભારતનું સ્વાભિમાન” સોમનાથ પર ગઝનવી આક્રમણના 1000 વર્ષ પર પીએમ મોદીનો બ્લોગ

પ્રભાસ પાટણ/નવી દિલ્હી: ભારતના ઇતિહાસમાં સોમનાથ સમગ્ર ભારતના સ્વાભિમાન, એકતા, ભવ્યતા અને ચેતનત્વનું પ્રતિક છે. અનેક વિદેશ લૂંટારૂ સમા આક્રમણખોરોએ તેને તોડવાનો પ્રયાસ કર્યો, તેનો હેતુ સોમનાથ મંદીર પર ઘાવ કરીને ભારતની સનાતન આસ્થા પર ઘાવ કરવાનો હતો. પરંતુ આવા લૂંટારુઓના આક્રમણો ક્યારેય સનાતન આસ્થાને તોડી શક્યા નહિ, સોમનાથ દરવખતે વધુને વધુ ભવ્યતા સાથે ઊભું થયું. સોમનાથ પર પ્રથમ આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. અને આજે સોમનાથ દિવ્ય અને તેજોમય બનીને ભારતની આધ્યાત્મિકતા અને આસ્થાના ધર્મધ્વજને આકાશમાં ફરકાવી રહ્યું છે. સોમનાથ પર આક્રમણના 1000 વર્ષ પર પીએમ મોદીનો બ્લોગથી પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

સોમનાથ ભારતની આત્મા અને ગૌરવનું પ્રતીક
પીએમ મોદીએ તેમના બ્લોગમાં લખ્યું કે, “સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતની આત્મા અને ગૌરવનું પ્રતીક છે. ૧૨ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાને બિરાજતા સોમનાથ વિશે શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે કે તેના દર્શન માત્રથી મનુષ્ય પાપોમાંથી મુક્ત થઈ પુણ્ય પ્રાપ્ત કરે છે. વડાપ્રધાને નોંધ્યું છે કે પ્રભાસ પાટણની આ પવિત્ર ધરતી સદીઓથી ભારતની આધ્યાત્મિક અને સભ્યતાગત ભવ્યતાની સાક્ષી રહી છે.

ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ
વર્ષ ૨૦૨૬ એ સોમનાથના ઇતિહાસમાં ખૂબ મહત્વનું છે કારણ કે જાન્યુઆરી ૧૦૨૬માં મહમદ ગઝનવી દ્વારા કરવામાં આવેલા પ્રથમ બર્બર આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે આક્રમણ ભારતની આસ્થા અને સભ્યતાને નષ્ટ કરવાનો એક હિંસક પ્રયાસ હતો. જોકે, પીએમ મોદી જણાવે છે કે સોમનાથની ગાથા વિધ્વંસની નહીં, પરંતુ ભારત માતાના સંતાનોના અતૂટ સ્વાભિમાન અને આસ્થાની ગાથા છે.

આ વર્ષે જ પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ
યોગાનુયોગ વર્ષ ૨૦૨૬ એ સોમનાથ મંદિરના આધુનિક પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થવાનું પણ વર્ષ છે. ૧૧ મે ૧૯૫૧ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં આ ભવ્ય મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખુલ્યા હતા. ગઝનવીથી લઈને અનેક આક્રમણકારોએ આ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે આપણી સંસ્કૃતિના રક્ષકોએ સર્વોચ્ચ બલિદાન આપીને મંદિરને ફરીથી બેઠું કર્યું છે.

વિવેકાનંદ, અહલયાબાઈ, ક. મા. મુનશી, સરદારને કર્યા યાદ
વડાપ્રધાને અહલ્યાબાઈ હોલકર, સ્વામી વિવેકાનંદ અને કનૈયાલાલ મુનશી જેવા મહાનુભાવોના યોગદાનને યાદ કર્યું છે. સ્વામી વિવેકાનંદે સોમનાથને ‘રાષ્ટ્રીય જીવનધારા’નું પ્રતીક ગણાવ્યું હતું. આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે મક્કમ નિર્ધાર સાથે આ મંદિરના પુનઃનિર્માણની જવાબદારી ઉપાડી હતી. પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો કે તત્કાલીન પીએમ નેહરુ આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિની હાજરીથી નારાજ હતા, છતાં રાજેન્દ્ર બાબુ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા.

ટ્ટરતા પાસે વિનાશની શક્તિ, આસ્થામાં સર્જનની
“નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ” ના શ્લોકને ટાંકીને પીએમએ જણાવ્યું કે સોમનાથનું ભૌતિક માળખું ભલે નાશ પામ્યું હોય, પરંતુ તેની ચેતના અમર રહી છે. આ જ અતૂટ વિશ્વાસને કારણે આજે ભારત પર વિશ્વની નજર છે. યોગ, આયુર્વેદ અને આપણી સંસ્કૃતિ આજે વૈશ્વિક પડકારોના ઉકેલ તરીકે ઉભરી રહ્યા છે. સોમનાથ આપણને શીખવે છે કે કટ્ટરતા પાસે વિનાશની શક્તિ હોઈ શકે છે, પણ આસ્થામાં સર્જનની અપાર શક્તિ છે.

પીએમ મોદીએ બ્લોગના અંતે આહવાન કર્યું છે કે જો ૧૦૦૦ વર્ષ પહેલા ખંડિત થયેલું સોમનાથ આજે પોતાના પૂર્ણ વૈભવ સાથે ફરી ઊભું રહી શકતું હોય, તો આપણે પણ ૧૦૦૦ વર્ષ પહેલાનું સમૃદ્ધ ભારત પુનઃ બનાવી શકીએ છીએ. સોમનાથની લહેરો અને ગર્જના આપણને ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે નવા સંકલ્પ સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button