પીએમ મોદીના જન્મદિવસે અમદાવાદમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ, 5 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક

અમદાવાદઃ 17 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીનો 75મો જન્મદિવસ છે. આ દિવસે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. વિવિધ સંસ્થાઓ દ્વારા મળીને આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ રક્તદાન કેમ્પનું વર્ચ્ચુઅલ ઉદ્ધાટન કરશે. સવારે 7 વાગ્યાથી શરૂ થઈ સાંજના 7 વાગ્યા સુધી યોજાનારા બ્લડ ડોનેશન કેમ્પમાં 5 લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો આ બ્લડ કેમ્પમાં હાજરી આપશે. દેશ સહિત વિદેશમાં 7500થી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં એકત્ર થનારું બ્લડ ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે અને ત્યાંથી પ્રોસેસ કરી અને જે પણ વ્યક્તિને આ બ્લડ ની જરૂર હશે તેને બ્લડ પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં 200થી વધારે બ્લડ બેંકો છે ત્યારે વડોદરા સુરત રાજકોટ વગેરે બ્લડ બેંકો આમાં જોડાશે.
આ પણ વાંચો: PM Modiના જન્મદિવસે દેશમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાનનો શુભારંભ કરાશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પાર્કિંગમાંથી લોકો ઉપર જ્યાં કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યાં લાવવા લઈ જવા માટેની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સ્ટેડિયમમાં ઉપર પ્રવેશવાની સીડી અને પિલ્લરનો ભાગ છે ત્યાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકોને બ્લડ આપવાનું છે તેમના માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે આ ઉપરાંત જ્યારે કોઈપણ ઈમરજન્સી થશે તો તેના માટેની પણ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારનો પણ ખૂબ સારો અમને સહકાર મળી રહ્યો છે અમે તમામ યુવાઓને પણ અપીલ કરીએ છીએ કે આ રક્તદાનમાં જોડાય.