નેશનલ

“PM મોદી દેશમાં કરે છે સિંહ ગર્જના, બહાર બની જાય માટીના સિંહ!” કોંગ્રેસનાં પ્રહાર

નવી દિલ્હી: અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાની કાર્યવાહી બાદ હવે ટેરિફ વોરનો મુદ્દો ચર્ચામાં છે. અમેરિકા દ્વારા ભારતનાં નાગરિકોને હાથકડી સાથે પરત મોકલવા, ટેરિફની ધમકીઓ સહિતનાં મુદ્દે કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી દેશમાં ગર્જના કરે છે જ્યારે બહાર જાય છે તો માટીના સિંહ બની જાય છે.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ શનિવારે અમેરિકન રાષ્ટ્રપતિના તાજેતરના નિવેદન પર પીએમ મોદી પર પ્રહારો કર્યા અને કહ્યું કે જો ટ્રમ્પ ભારતના ટેરિફ ઘટાડવા અંગે સાચા છે, તો તે મોદી સરકારનું આત્મસમર્પણ છે અને આનાથી ભારતીય અર્થતંત્રને વધારે કચડવામાં આવશે. પવન ખેડાએ કહ્યું કે વડા પ્રધાને આ મુદ્દે સંસદને વિશ્વાસમાં લેવી જોઈએ.

આ પણ વાંચો: ટેરિફ મુદ્દે ભારતના ‘વલણ’ની કોંગ્રેસે કરી ટીકા, પીએમ મોદીને વખાણ સાંભળવા ગમે છે પણ…

ટેરિફમાં ઘટાડો કરવા સહમત

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો હતો કે ભારત તેના ટેરિફમાં “નોંધપાત્ર ઘટાડો” કરવા સહમત થયું છે. આ પહેલા તેમણે દાવો કર્યો હતો કે ભારત અમેરિકા પર ભારે ટેરિફ લાદે છે, જેના કારણે ત્યાં ઉત્પાદનો વેચવાનું મુશ્કેલ બને છે. જ કે ટ્રમ્પના આ તાજેતરના નિવેદન પર ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. તેમણે આગળ કહ્યું હતું કે, “જો મેક્સિકો અને કેનેડા જેવા દેશો અમેરિકા પર દબાણ કરીને પારસ્પરિક ટેરિફ પર એક મહિનાની મોકૂફી લાવી શકતા હોય, તો ભારત કેમ નહીં?

નામ નરેન્દ્ર અને કામ સરેન્ડરનું

તેમણે નેપાળનાં નાગરિકોનાં દેશનિકાલની કાયવાહી અંગે વાત કરતાં કહ્યું હતું કે નેપાળ જેવા દેશનાં લોકોને મોકલવામાં આવ્યા ત્યારે તેમના હાથમાં કોઇ હાથકડી નહોતી. મોદી દેશમાં સિંહની જેમ ગર્જના કરે છે પણ જ્યારે તેઓ વિદેશ જાય છે ત્યારે ‘માટીનાં સિંહ’ બની જાય છે. ‘નામ નરેન્દ્રનું અને કામ સરેન્ડરનું’. આ માટીના સિંહને ભારતની છબી ખરાબ કરવાની મંજૂરી આપી શકીએ નહીં.

https://twitter.com/INCIndia/status/1898292120588313024

અર્થતંત્ર કરતાં પોતાની છબી મહત્વપૂર્ણ

એક તરફ, ટ્રમ્પ નરેન્દ્ર મોદીને ગળે લગાવી રહ્યા છે, બીજી તરફ, તેઓ અર્થતંત્રનું ગળું દબાવી રહ્યા છે – મોદી સરકારને આમાં કોઈ સમસ્યા દેખાતી નથી. એ સાબિત થયું છે કે વડા પ્રધાન માટે દેશની આર્થિક સ્થિતિ કરતાં તેમની છબી વધુ મહત્વપૂર્ણ છે. ઘણા દેશો અમેરિકાને જવાબ આપી રહ્યા છે, પરંતુ આપણા વડા પ્રધાન અને વિદેશ પ્રધાન એક પણ શબ્દ બોલી રહ્યા નથી. આખરે આ લોકો કેમ ડરે છે?

ભારતનાં વડા પ્રધાન પદનું અપમાન નહિ સ્વીકાર્ય

તેમણે આગળ કહ્યું કે, “આપણા મનમાં ભારતના વડા પ્રધાન પદના ગૌરવ અને શક્તિની છબી છે. તે છબી 1971માં બાંગ્લાદેશ કટોકટી દરમિયાન બનાવવામાં આવી હતી, જ્યારે અમેરિકાએ આપણને ધમકી આપી આપણે ઝૂક્યા નહીં અને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું. ૧૯૭૪માં પોખરણ 1 અને પોખરણ-2 સમયે આપણને ધમકી આપવામાં આવી હતી, પણ અમે ડર્યા નહીં. આજે ભારતના વડા પ્રધાન પદની છબી આવી કેમ બની ગઈ છે? આપણે બધાએ આ પ્રશ્ન પૂછવો જોઈએ. હાલમાં મંત્રી પીયૂષ ગોયલ વેપાર વાટાઘાટો માટે અમેરિકા ગયા છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ અપમાનજનક રીતે જાહેરાત કરી રહ્યા છે કે ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત થયું છે. પરંતુ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. કોઈને કંઈ ખબર નથી. ન તો વિપક્ષ જાણે છે, ન મીડિયા, ન દેશ, ન મંત્રીમંડળ. જો આજે આપણા વડા પ્રધાન ભારતને આ રીતે નબળું પાડીને પાછા ફરે છે, તો વિશ્વ મંચ પર ભારતને કેવી રીતે ગંભીરતાથી લેવામાં આવશે?

https://twitter.com/INCIndia/status/1898288976231817297

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button