Top Newsનેશનલ

પીએમ મોદી ઉત્તરાખંડના રજત જયંતિ સમારોહમાં સામેલ થયા, કહ્યું રાજ્યની સાચી ઓળખ આધ્યાત્મિક શક્તિમાં

દહેરાદૂન : ઉત્તરાખંડના 25માં સ્થાપના દિવસે પીએમ મોદી રાજ્યની મુલાકાતે છે. પીએમ મોદી રાજ્યના રજત જયંતિ સમારોહમાં સામેલ થયા. તેમજ રાજ્યને 8 હજાર કરોડ રૂપિયાના કાર્યોની ભેટ આપી હતી. તેમણે ઉત્તરાખંડના લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ ઉત્તરાખંડ આંદોલનમાં બલિદાન આપનારા લોકોને યાદ કર્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ જણાવ્યું કે રાજ્ય સતત પ્રવાસન વિકાસ સહિત અનેક ક્ષેત્રોમાં આગળ છે.

વિશ્વની આધ્યાત્મિક રાજધાની તરીકે સ્થાપિત થઈ શકે

પીએમ મોદીએ કહ્યું કે દેશ આત્મનિર્ભર ભારત સંકલ્પ તરફ અગ્રેસેર છે. જેનો માર્ગ વોકલ ફોર લોકલ છે. જેમાં ઉત્તરાખંડમાં સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ અને તેને જીવનનો ભાગ બનાવવાની પરંપરા તેનો અભિન્ન હિસ્સો છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડની સાચી ઓળખ તેની આધ્યાત્મિક શક્તિમાં રહેલી છે. જો ઉત્તરાખંડ સંકલ્પ કરે છે તો તે આગામી થોડા વર્ષોમાં પોતાને વિશ્વની આધ્યાત્મિક રાજધાની તરીકે સ્થાપિત થઈ શકે છે. જેમાં મંદિરો, આશ્રમો અને યોગ કેન્દ્રોને વૈશ્વિક કેન્દ્રો સાથે જોડી શકીએ છીએ.

ઉત્તરાખંડ ભારતના આધ્યાત્મિક જીવનનો ધબકાર

તેમજ દેવભૂમિ ઉત્તરાખંડ ભારતના આધ્યાત્મિક જીવનનો ધબકાર છે. આ તીર્થસ્થાનો, ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, જાગેશ્વર અને આદિ કૈલાશ, આપણી શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક છે. દર વર્ષે લાખો ભક્તો આ પવિત્ર તીર્થસ્થાનોની મુલાકાત લે છે. તેમની યાત્રા ભક્તિનો માર્ગ મોકળો કરે છે અને ઉત્તરાખંડના અર્થતંત્રમાં નવી ઉર્જાનો સંચાર કરે છે.

એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યામાં 10 ગણાથી વધુનો વધારો

તેમજ રાજ્યમાં છેલ્લા 25 વર્ષમાં એન્જિનિયરિંગ કોલેજોની સંખ્યામાં 10 ગણાથી વધુનો વધારો થયો છે. પહેલા અહીં ફક્ત એક જ મેડિકલ કોલેજ હતી, આજે 10 મેડિકલ કોલેજો છે. પીએમ મોદીએ કહ્યું કે 25 વર્ષ પહેલા ઉત્તરાખંડનું બજેટ રૂપિયા 4,000 કરોડ હતું, પરંતુ આજે તે વધીને રૂપિયા 1 લાખ કરોડથી વધુ થઈ ગયું છે. છેલ્લા 25 વર્ષમાં ઉત્તરાખંડમાં વીજળીનું ઉત્પાદન ચાર ગણું વધ્યું છે. છેલ્લા 25 વર્ષમાં ઉત્તરાખંડમાં રસ્તાઓની લંબાઈ બમણી થઈ ગઈ છે. પહેલા, દર છ મહિને આશરે 4,000 મુસાફરો અહીં હવાઈ મુસાફરી કરતા હતા, પરંતુ આજે દરરોજ 4,000 થી વધુ મુસાફરો હવાઈ મુસાફરી કરે છે.

25 વર્ષની સફર બાદ ઉત્તરાખંડ આજે ઊંચાઈએ પહોંચ્યું

પીએમ મોદીએ કહ્યું કે આજે ઉત્તરાખંડ તેના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઉત્તરાખંડની સમૃદ્ધિનો સમયગાળો છે. ઉત્તરાખંડના લોકોએ વર્ષોથી જે સ્વપ્ન જોયું હતું તે અટલજીની સરકારમાં પૂર્ણ થયું. 25 વર્ષની સફર પછી ઉત્તરાખંડ આજે ઊંચાઈએ પહોંચ્યું છે.

આપણ વાંચો:  સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા! જ્યોર્જિયા અને અમેરિકાથી બે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરની ધરપકડ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button