ટોપ ન્યૂઝનેશનલ

Earthquake : પીએમ મોદીએ મ્યાનમારના સેના પ્રમુખ સાથે વાત કરી, કહ્યું મુશ્કેલ સમયમા ભારત મ્યાનમાર સાથે…

નવી દિલ્હી: મ્યાનમારમાં શુક્રવારે આવેલા ભૂકંપને કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે. જોકે, આ મુશ્કેલ સમયમાં ભારત મ્યાનમાર સાથે હોવાનું પીએમ મોદીએ આશ્વાસન આપ્યું છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારના જનરલ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કુદરતી આફતના સમયે ભારત તેમની પડખે ઉભુ છે. તેમજ શક્ય તેટલી સહાય કરવામાં આવશે. પીએમ મોદીએ આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે ભારત મિત્ર અને પાડોશી તરીકે આ મુશ્કેલ સમયમાં મ્યાનમારની સાથે ઉભું છે.

ઓપરેશન બ્રહ્મા હેઠળ આપત્તિ રાહત સામગ્રી પહોંચાડવામા આવી રહી છે

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “મ્યાનમારના સિનિયર જનરલ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. વિનાશક ભૂકંપમાં થયેલા મૃત્યુ પર મારી ઊંડી સંવેદના વ્યક્ત કરી. એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે ઉભું છે. ઓપરેશન બ્રહ્મા હેઠળ આપત્તિ રાહત સામગ્રી, માનવતાવાદી સહાય, શોધ અને બચાવ ટીમો ઝડપથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી રહી છે.

મ્યાનમારને સહાય રૂપે 15 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી

મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ પછી ભારતે રાહત સામગ્રીનો પહેલો જથ્થો મોકલ્યો છે. ભારત તરફથી મ્યાનમારને સહાય રૂપે 15 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. ભારતીય વાયુસેના (IAF)ના C-130J વિમાનમાં હિંડોનમાં IAF ના હિંડોન સ્ટેશનથી રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી. રાહત પેકેજમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, તૈયાર ખોરાક, સ્વચ્છતા કીટ, સોલર લેમ્પ, જનરેટર સેટ, જીવન જરૂરી દવાઓ અને મોજા જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભયાનક ભૂકંપનું કારણ શું? વાંચો શું કહે છે વૈજ્ઞાનિકો…

મ્યાનમારમા 1000 લોકો મૃત્યુ પામ્યા

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મ્યાનમાર અને તેના પડોશી દેશ થાઇલેન્ડમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં બહુમાળી બિલ્ડિંગો, પુલો અને ડેમનો નાશ થયો. આ ભૂકંપને કારણે મ્યાનમારમા 1000 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 1700 લોકો ઘાયલ થયા છે. શુક્રવારે બપોરે આવેલા ભૂકંપની તીવ્રતા 7.7 હતી અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક હતું. તેની બાદ પણ ભૂકંપના ઘણા આંચકા અનુભવાયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button