PM Modi એ રાષ્ટ્રીય વન્ય-જીવન બોર્ડની બેઠકમાં સિંહોની ગણતરી માટેની જાહેરાત કરી

અમદાવાદ : ગુજરાતના જૂનાગઢના સાસણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ(PM Modi)વિશ્વ વન્યજીવન દિવસે રાષ્ટ્રીય વન્ય જીવન બોર્ડની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી . આ બેઠકમાં તેમણે આ વર્ષે મે મહિનામાં યોજાનાર એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી છે. સિંહોની સંખ્યાની સાથે તેનો વિસ્તાર પણ વધ્યો છે. હાલમાં ગીરમાં 674 સિંહ છે.
30,000 ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લીધો
પ્રધાનમંત્રીએ બ્રુહદ ગીરની વિભાવના રજૂ કરી હતી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની બહાર સંરક્ષણ કેન્દ્રનો વિસ્તાર કરીને બરડાથી બોટાદ સુધી 30,000 ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લીધો છે. જ્યાં એશિયાઈ સિંહો જોવા મળે છે. ગ્રેટર ગીરના વિકાસ સાથે તેમણે સ્થાનિક સમુદાયોના કલ્યાણ અને પ્રગતિની પણ ખાતરી કરી.
આ પણ વાંચો: PHOTOS: 18 વર્ષ બાદ ગીર પહોંચ્યા પીએમ મોદી, સિંહની લીધી તસવીર…
પીએમ મોદીએ સવારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ સફારી પૂર્ણ કર્યા બાદ મોદી સાસણ ખાતે નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડલાઇફ બેઠક માટે રવાના થયા હતા. જેમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અન્ય સભ્યોએ હાજરી આપી હતી.
પીએમ મોદીએ સફારી બાદ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે” સામૂહિક પ્રયાસોને કારણે એશિયાઈ સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળ્યો છે, અને એશિયાઈ સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ અને મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી.”
રાષ્ટ્રીય રેફરલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિલોમીટરમાં એશિયાટિક સિંહો વસે છે. રાજ્ય સરકારે સિંહોના સંરક્ષણ અને અન્ય વન્યજીવ પ્રજાતિઓના રક્ષણ માટે અનેક પહેલ કરી છે. રાષ્ટ્રીય પ્રોજેક્ટના ભાગ રૂપે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર વન્યજીવન માટે રાષ્ટ્રીય રેફરલ સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે.