દિલ્હી: 78માં સ્વતંત્રતા દિવસ નિમિતે દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા વડા પ્રધાન મોદી(PM Modi Speech)એ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે સરકાર આગામી પાંચ વર્ષમાં મેડિકલ અભ્યાસ માટે 75 હજાર નવી સીટો ઉમેરાશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સરકારે બેઠકોની સંખ્યા એક લાખ કરી છે.
સ્વતંત્રતા દિવસ નિમિતે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે વિકસિત ભારતની સાથે આપણે એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ અભ્યાસ માટે 75 હજાર નવી બેઠકો બનાવવામાં આવશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજે પણ મોટાભાગે મધ્યમ વર્ગના બાળકો મેડિકલ શિક્ષણ માટે વિદેશ જઈ રહ્યા છે. તેઓ વિદેશમાં તબીબી શિક્ષણ પર “લાખો અને કરોડો” ખર્ચે છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું, “અમે છેલ્લા 10 વર્ષમાં મેડિકલ સીટોની સંખ્યા વધારીને અંદાજે એક લાખ કરી છે. દર વર્ષે 25 હજાર યુવાનો મેડિકલ અભ્યાસ માટે વિદેશ જાય છે. તેઓ એવા દેશોમાં જાય છે જેના નામ સાંભળીને મને આશ્ચર્ય થાય છે.”
તેમણે જાહેરાત કરી હતી કે, “અમે નક્કી કર્યું છે કે આગામી પાંચ વર્ષમાં મેડિકલ લાઇનમાં 75 હજાર નવી બેઠકો બનાવવામાં આવશે. અમે વિકસિત ભારતની પ્રથમ પેઢીને ધ્યાનમાં રાખીને પોષણ અભિયાન શરૂ કર્યું છે. અમે ભારતમાં એવી શિક્ષણ પ્રણાલી બનાવવા માંગીએ છીએ કે યુવાનોને ભણવા માટે વિદેશ જવાની જરૂર ન પડે. અમે ઈચ્છીએ છીએ કે વિદેશી વિદ્યાર્થીઓ અહીં આવીને અભ્યાસ કરે.”
સરકારના ડેટા મુજબ છેલ્લા 10 વર્ષ દરમિયાન દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં 82 ટકાનો વધારો થયો છે, 2014 પહેલા દેશમાં મેડીકલ કોલેજની સંખ્યા 387 હતી જે 2023માં 704 થઈ ગઈ છે.