પીએમ મોદી અને અમિત શાહ સહિતના નેતાઓ દેશવાસીઓને પાઠવી રક્ષાબંધનની શુભેચ્છા

નવી દિલ્હી : દેશભરમાં આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ એક્સ પર સંદેશમાં ભાઈ બહેનના બંધનના મજબૂત કરવા આ તહેવારના મહત્વનો ઉલ્લેખ કર્યો.
પર્વ તમામના જીવનમાં આનંદ અને ઉત્સાહનો સ્ત્રોત બને
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભાઈ બહેનના પ્રેમ અને વિશ્વાસના અતૂટ બંધનના પ્રતિક રક્ષાબંધન પર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. અમિત શાહે જણાવ્યું કે, ભાઈ બહેન વચ્ચે પ્રેમ વિશ્વાસ અને સુરક્ષાના અતૂટ બંધનને સમર્પિત રક્ષા બંધનના પવિત્ર પર્વ પર તમામ દેશવાસીઓને હાર્દિક શુભકામના. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ પર્વ તમામના જીવનમાં આનંદ અને ઉત્સાહનો સ્ત્રોત બને.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ શુભકામના પાઠવી
આ ઉપરાંત રક્ષાબંધન પર્વ પર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શુભકામના આપી હતી. તેમણે એક્સ પર લખ્યું કે, રક્ષાબંધનના પવિત્ર અવસર પર તમામને હાર્દિક શુભકામના. આ તહેવાર માત્ર રાખડીની પવિત્રતા જ નહી પરંતુ અમારી બહેનોના સન્માન, સુરક્ષા અને સુખ- સમૃદ્ધિની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. આ પર્વ આપણી અંદર રક્ષણની ભાવનાને મજબૂત બનાવે એ જ મારી ભગવાનને પ્રાર્થના છે.
ભારત છોડો આંદોલનમાં સામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી
આ દરમિયાન વડા પ્રધાન મોદીએ ભારત છોડો આંદોલનની 83મી વર્ષગાંઠ પર તેમાં સામેલ લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું કે તેમના સાહસ અને દેશભકિતએ એવો માહોલ બનાવ્યો જેનાથી અનેક લોકો આઝાદી માટે એકજૂથ થયા. તેમજ આ બહાદુર લોકોએ બાપુના નેતુત્વમાં ભારત છોડો આંદોલનમાં હિસ્સો લીધો.