2028માં ભારતમાં COP-33 ક્લાઈમેટ સમિટનું આયોજન કરવાનો પીએમ મોદીનો પ્રસ્તાવ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતને 2028 માં સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિષદ અથવા COP33ની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને લોકોની ભાગીદારી દ્વારા ‘કાર્બન સિંક’ બનાવવા પર કેન્દ્રિત ‘ગ્રીન ક્રેડિટ’ પહેલ શરૂ કરી હતી. દુબઈમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ કોન્ફરન્સ દરમિયાન રાજ્ય અને સરકારના વડાઓને સંબોધતા તેમણે કહ્યું કે ભારતે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન બનાવીને વિશ્વ માટે એક ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
પીએમએ કહ્યું કે ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક છે જે તેના રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન અથવા વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાની રાષ્ટ્રીય યોજનાઓ હાંસલ કરવાના માર્ગ પર છે.
COP28ના પ્રમુખ સુલતાન અલ જાબેર અને યુએન ક્લાઈમેટ ચેન્જ પ્રમુખ સિમોન સ્ટિલ સાથે ઓપનિંગ પ્લેનરી સત્રમાં ભાગ લેનારા મોદી એકમાત્ર નેતા હતા.
વડા પ્રધાન ‘પર્યાવરણ માટે જીવન’ ઝુંબેશની હિમાયત કરી રહ્યા છે અને દરેક દેશોને પૃથ્વીને અનુકૂળ જીવનશૈલી અપનાવવા અને તીવ્ર ઉપભોક્તાવાદી વર્તનથી દૂર રહેવા વિનંતી કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના અભ્યાસને ટાંકીને તેમણે કહ્યું હતું કે આ અભિગમ અપનાવવાથી કાર્બન ઉત્સર્જનમાં બે અબજ ટન સુધીનો ઘટાડો થઇ શકે છે. મોદીએ કહ્યું હતું કે દરેકના હિતોનું રક્ષણ કરવું જોઈએ અને જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં દરેકની ભાગીદારી જરૂરી છે.