તમે મીઠાં અને ખાંડની સાથે પ્લાસ્ટિક ખાઈ રહ્યા છો! અભ્યાસમાં મોટો દાવો
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી માઇક્રોપ્લાસ્ટિક વધુને વધુ ગંભીર બની રહેલી વૈશ્વિક સમસ્યા છે. એક કે બીજી રીતે ખાદ્ય વપરાશની વસ્તુઓમાં માઈક્રોપ્લાસ્ટિકના કણો (Microplastics) ભળી રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી છે. એવામાં એક આહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, મીઠું અને ખાંડની તમામ ભારતીય બ્રાન્ડમાં માઇક્રોપ્લાસ્ટિક્સ (Microplastics in Salt and Sugar) મળી આવ્યું છે.
પર્યાવરણીય સંશોધન સંસ્થા ટોક્સિક્સ લિંક (Toxics Link) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ટેબલ સોલ્ટ, રોક સોલ્ટ, સી સોલ્ટ અને રો સોલ્ટ (કાચું મીઠું) સહિત 10 પ્રકારનાં મીઠાનું પરીક્ષણ કરવામાં આવ્યંે હતું. સ્થાનિક બજારો અને ઓનલાઇન પ્લેટફોર્મ પરથી પાંચ પ્રકારની ખાંડ ખરીદવામાં આવી હતી.
અભ્યાસમાં તમામ મીઠા અને ખાંડના નમૂનાઓમાં ફાઇબર, પેલેટ, ફિલ્મ અને ટુકડાઓ સહિત વિવિધ સ્વરૂપોમાં માઇક્રોપ્લાસ્ટિક્સની હાજરી હોવાનું જાણવા મળ્યું છે. આ માઇક્રોપ્લાસ્ટિક્સનું કદ 0.1 mm થી 5 mm સુધીનું નોંધવામાં આવ્યું. માઇક્રોપ્લાસ્ટિક્સનું ઉચ્ચતમ સ્તર આયોડાઇઝ્ડ મીઠામાં, પાતળા ફાઇબર અને ફિલ્મના સ્વરૂપમાં જોવા મળ્યું હતું.
ટોક્સિક્સ લિંકે જણવ્યું હતું કે, “અમારા અભ્યાસનો ઉદ્દેશ માઇક્રોપ્લાસ્ટિક્સ પરના વર્તમાન વૈજ્ઞાનિક ડેટાબેઝમાં યોગદાન આપવાનો છે, જેથી વૈશ્વિક પ્લાસ્ટિક સંધિ આ મુદ્દાને નક્કર અને કેન્દ્રિત રીતે ઉકેલી શકે.”
આ પણ વાંચો : Microplastics in Human Testicle: પ્લાસ્ટિકને લીધે પુરુષોના પ્રાઈવેટ પાર્ટ્સને થઈ રહ્યું છે આટલું નુકસાન?
અહેવાલમાં જણાવાયું છે કે મીઠાના નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિક્સની સાંદ્રતા 6.71 થી 89.15 ટુકડાઓ પ્રતિ કિલોગ્રામ જાણવા મળ્યું. ટોક્સિક્સ લિંકે જણાવ્યું કે “નીતિવિષયક પગલાં લેવામાં આવે અને સંભવિત તકનીકી દરમિયાનગીરીઓ તરફ સંશોધકોનું ધ્યાન આકર્ષિત થાય એવા લક્ષ્ય સાથે આ અભ્યાસ કર્યો હતો, જેથી માઇક્રોપ્લાસ્ટિક્સનું જોખમ ઘટાડી શકાય.”
ટોક્સિક્સ લિંકે જણાવ્યું કે “તમામ મીઠા અને ખાંડના નમૂનાઓમાં માઇક્રોપ્લાસ્ટિકની નોંધપાત્ર માત્રા અંગેના અમારા અભ્યાસના તારણો ચિંતાજનક છે અને માનવ સ્વાસ્થ્ય પર માઇક્રોપ્લાસ્ટિકની લાંબા ગાળાની આરોગ્ય અસરો અંગે તાત્કાલિક, વ્યાપક સંશોધનની જરૂર છે.”
આયોડાઇઝ્ડ મીઠામાં માઇક્રોપ્લાસ્ટિક્સની સૌથી વધુ સાંદ્રતા (કિલોગ્રામ દીઠ 89.15 ટુકડાઓ) હતી જ્યારે ઓર્ગેનિક રોક મીઠું સૌથી ઓછું (કિલોગ્રામ દીઠ 6.70 ટુકડાઓ) ધરાવે છે.
ખાંડના નમૂનાઓમાં, માઇક્રોપ્લાસ્ટિક્સની સાંદ્રતા 11.85 થી 68.25 ટુકડાઓ પ્રતિ કિલોગ્રામ સુધીની હતી, જેમાં સૌથી વધુ સાંદ્રતા બિન-કાર્બનિક ખાંડમાં જોવા મળે છે.
માઇક્રોપ્લાસ્ટિક એ વધતી જતી વૈશ્વિક સમસ્યા છે કારણ કે તે આરોગ્ય અને પર્યાવરણ બંનેને નુકસાન પહોંચાડી શકે છે. પ્લાસ્ટિકના આ નાના કણો ખોરાક, પાણી અને હવા દ્વારા માનવ શરીરમાં પ્રવેશી શકે છે.
તાજેતરના સંશોધનમાં માનવીય અંગો જેમ કે ફેફસાં, હૃદય અને માતાના દૂધ અને અજાત બાળકોમાં પણ માઇક્રોપ્લાસ્ટિકની હાજરી જાણવા મળી છે.