‘અબકી બાર મોદી સરકાર’, થી ‘મિલે સૂર મેરા તુમ્હારા’ સુધીના કેમ્પેઈન માસ્ટર એડ ગુરુ’ પીયૂષ પાંડેનું નિધન:

નવી દિલ્હી: દેશના સુપ્રસિદ્ધ ‘એડ ગુરુ’ અને જાહેરાત જગતની હસ્તી પીયૂષ પાંડેનું નિધન થયું છે. તેમના નિધનથી ભારતીય જાહેરાત ઇન્ડસ્ટ્રીના એક યુગનો અંત આવ્યો છે. તેમણે જાહેરાતની દુનિયામાં ભારતીય સંસ્કૃતિ અને લોકભાષાને વણી લઈને ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા હતા. પીયૂષ પાંડે ચાર દાયકાઓથી વધુ સમય સુધી પ્રખ્યાત એડ કંપની ઓગિલ્વી ઇન્ડિયા (Ogilvy India) સાથે જોડાયેલા હતા અને કંપનીને દેશમાં જાહેરાતની દુનિયાનું પર્યાય બનાવવામાં તેમની ભૂમિકા મુખ્ય રહી છે.

આઇકોનિક સ્લોગન અને કેમ્પેઇન
પીયૂષ પાંડેના ઘણા કેમ્પેઇન આજે પણ લોકોના દિલમાં જીવંત છે અને બ્રાન્ડ્સની ઓળખ બની ગયા છે. એશિયન પેઇન્ટ્સની જાહેરાત “હર ખુશી મેં રંગ લાએ”, કેડબરીની જાહેરાત ‘કુછ ખાસ હૈ’, ફેવિકોલ અને હચ જેવી કંપનીઓ માટે અનેક સફળ જાહેરાત કેમ્પેઇનનું તેમણે નેતૃત્વ કર્યું હતું.’મિલે સૂર મેરા તુમ્હારા’ જેવા ભારતની વિવિધતામાં એકતા દર્શાવતા આ ગીતના લેખક પણ તેઓ જ હતા. આ ગીત દૂરદર્શનનું થીમ સોંગ બની ગયું હતું અને આજે પણ તે લોકપ્રિય છે.
તે ઉપરાંત રાજકીય સ્લોગનની વાત કરીએ તો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના પ્રચાર માટે આપવામાં આવેલ નારો “અબકી બાર, મોદી સરકાર” પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું, તેના લેખક પણ પિયુષ પાંડે જ હતા. પીયૂષ પાંડે ભારતીય સમાજની ભાષા, પરંપરા અને લાગણીઓની ઊંડી સમજ ધરાવતા હતા, જેના કારણે તેમના વિજ્ઞાપનો સીધા લોકોના હૃદયને સ્પર્શી જતા હતા. આ જ કારણ હતું કે પ્રોડક્ટ્સની સાથે તેમના બનાવેલા એડ્સ પણ એટલા જ લોકપ્રિય બન્યા હતા.
Piyush Pandey
— Shiv Aroor (@ShivAroor) October 24, 2025
1955-2025 pic.twitter.com/CdfeqPZx7O
વ્યક્તિગત સફર
જાહેરાતની દુનિયામાં પ્રવેશતા પહેલા, પીયૂષ પાંડે ક્રિકેટર હતા, તેમજ ચાના બગીચા અને બાંધકામ ક્ષેત્રે પણ કામ કરી ચૂક્યા હતા. તેમણે ૨૭ વર્ષની ઉંમરે ૧૯૮૨માં ઓગિલ્વી ઇન્ડિયામાં પ્રવેશ કર્યો અને તે સમયે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ ધરાવતા આ ઉદ્યોગનું સ્વરૂપ બદલી નાખ્યું હતું.
આપણ વાંચો: દેશમાં વોટ ચોરીનો ‘રેટ’ ખૂલ્યો! 6000 નામ રદ કરવાના 4.8 લાખ ચૂકવાયા, SITનો મોટો ખુલાસો



