H-1B વિઝા ફી વધારા મુદ્દે પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી, કહ્યું વિશ્વ ભારતીય પ્રતિભાથી ડરે છે..

નવી દિલ્હી : અમેરિકા દ્વારા H-1B વિઝા ફી વધારવામાં આવી છે. જે અંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે વિશ્વ ભારતીય પ્રતિભાથી ડરે છે.
તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયો ક્લિપમાં કહ્યું કે, વિશ્વના દેશો પણ ભારત સાથે મુક્ત વેપાર કરાર કરવા માંગે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ દેશો ભારત સાથે વેપાર વધારવા અને સંબંધો સુધારવા માંગે છે.
અર્થતંત્રના વિકાસને વેગ મળશે
પિયુષ ગોયલે જણાવ્યું કે વિશ્વ અમારી પ્રતિભાથી થોડા ડરે છે. અમને તેનો પણ કોઈ વાંધો નથી. ભારતીય પ્રતિભાઓને ભારત-આધારિત નવીનતા અને ડિઝાઇનને આગળ વધારવા માટે આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે આનાથી અર્થતંત્રના વિકાસને વેગ મળશે. પિયુષ ગોયલે કહ્યું કે તેથી જ આપણે વિજેતા છીએ ભલે ગમે તે થાય
પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાનો વિકાસ દર
પિયુષ ગોયલે ભારતના વિકાસ વિશે જણાવ્યું હતું કે , અમે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.8 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો. જે બધા અર્થશાસ્ત્રીઓની અપેક્ષાઓ કરતાં વધુ છે. અમે વર્ષ 2047 સુધી તેનાથી વધુ વૃદ્ધિ કરતા રહીશું. તેમણે ભાર મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનવા માટે 2047નું લક્ષ્ય વર્ષ નક્કી કર્યું છે.
H1B વિઝાની ફી વધારીને 1,00,000 ડૉલર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાના નવા નિયમ લાગુ કરીને અનેક ભારતીય H1B વિઝા ધારકોને મૂશ્કેલીમાં મૂકી દીધા છે. નવા નિયમ મુજબ H1B વિઝાની ફી વધારીને 1,00,000 ડૉલર કરી દેવામાં આવી છે. જે ભારતીય ચલણ પ્રમાણે અંદાજીત 88 લાખ રૂપિયા જેટલી થાય છે. જેથી H1B વિઝા ધારક ભારતીયો ચિંતામાં મૂકાયા છે.
આ પણ વાંચો…ટ્રમ્પના H-1B વિઝા મામલે ભારત ચિંતિત, જાણો શું કહ્યું ભારતીય વિદેશ મંત્રાલયે…