નેશનલ

Jaguar ફાઇટર જેટની તસવીરો થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, જાણો શું છે તેની ખાસિયતો

ભારતીય વાયુસેના(Indian Air Force)ના જગુઆર ફાઇટર જેટની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ જેટને સેપેકેટ SEPECAT Jaguar પણ કહેવાય છે. આ વિમાનો પહેલા બ્રિટિશ અને ફ્રાંસની સેના દ્વારા ઉપયોગમાં લેતા હતા. જો કે ભારતીય વાયુસેનામાં હજુ પણ આ વિમાનો સેવા આપી રહ્યા છે. 1968થી 1981ના સમયગાળા દરમિયાન વિશ્વભરમાં કુલ 573 જગુઆર ફાઇટર જેટ્સ બનાવવામાં આવ્યા છે.

ભારતીય વાયુસેના પાસે કુલ 160 જગુઆર વિમાનો છે, જેમાંથી 30નો ઉપયોગ તાલીમ આપવા માટે થાય છે. તેમનું મુખ્ય કામ જ ગ્રાઉન્ડ એટેકનું છે, હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા આ વિમાનોનું નિર્માણ થાય છે. અમુક વિમાનોને એક પાયલટ તથા અમુક વિમાનોને 2 પાયલટ મળીને ઉડાવતા હોય છે. 55.3 ફૂટ લાંબા વિમાનનું વિંગસ્પેન 28.6 ફૂટ હોય છે, જો કે તેની ઉંચાઇ 16.1 ફૂટ છે. ટેકઓફ વખતે તેનું વજન 15,700 કિલો હોય છે. આ વિમાનમાં 2 રોલ્સ રોયસ ટર્બોમેકા અડોર એમકે.102કે એન્જિન લગાવેલું છે. આ વિમાનમાં કુલ 4200 લીટર બળતણનો વપરાશ થાય છે, એ સિવાય 1200 લીટરના ડ્રોપ ટેંક્સ પણ લગાવી શકાય છે.

દરિયાની સપાટી પરથી વધુમાં વધુ ગતિ 1350 કિમી પ્રતિ કલાકની છે. જ્યારે 36 હજાર ફૂટની ઉંચાઇ પર તે 1700 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. વધારામાં વધારે તે 1902 કિમીની રેન્જ કવર કરી લે છે. આકાશમાં કુલ 46 હજાર ફૂટની ઉંચાઇ સુધી તે જઇ શકે છે. ટેકઓફ બાદ ફક્ત દોઢ મિનિટની અંદર તે 30 હજાર ફૂટ પહોંચી જાય છે. આ વિમાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 600 મીટરના નાના રનવે પરથી પણ ટેકઓફ અને લેન્ડિંગ કરી શકે છે.

આ વિમાનમાં પરમાણુ બોમ્બ સહિત અનેક હથિયારો લઇ જઇ શકાય છે. 30 મિલિમીટરના 2 વોટર કેનન લાગેલા છે જેમાંથી દર મિનિટે 150 ગોળીઓ વછૂટી શકે છે. ટોટલ 7 હાર્ડપોઇન્ટ્સ, 4 અંડર વિંગ, 2 ઓવર વિંગ, અને એક સેન્ટ્રલ લાઇનમાં છે. 4500 કિલો વજનનું હથિયાર હોય તો પણ આ વિમાન ઉડાન ભરી શકે છે. તેમાં 8 Matra રોકેટ પોડ્સ સાથે 68 મિલીમીટરના 18 SNEB રોકેટ લગાવાયેલા છે. આ વિમાનમાં એક એન્ટી રડાર મિસાઇલ, 2 હવામાં ટાર્ગેટ વીંધી નાખનારી AIM-9 સાઇડ વિંડર મિસાઇલ, RUDRAM-1 એન્ટી રેડિએશન મિસાઇલ, હાર્પૂન એન્ટી શીપ મિસાઇલ, સી-ઇગલ એન્ટી શીપ મિસાઇલ, પ્રિસીઝન ગાઇડેડ મ્યુનિશન, સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન, ગાઇડેડ અને અનગાઇડેડ બોમ્બ, પરમાણુ બોમ્બ લગાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button