
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં છોટી દિવાળીના દિવસે એટલે કે રવિવારે દીપોત્સવ યોજાયો હતો. લાખો દિવાઓ ઝગમગી ઉઠ્યા હતા. અયોધ્યામાં સરયુ નદીના કિનારે લગભગ 26 લાખ કરતા વધારે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સિદ્ધિ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ હતી.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ ટીમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વર્લ્ડ રેકોર્ડ માટે પ્રમાણપત્રો સુપરત કર્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત દીપોત્સવ દરમિયાન એક સાથે 2,617,215 માટીના દીવા પ્રગટાવવાનો પહેલો રેકોર્ડ સ્થાપિત થયો હતો. બીજો રેકોર્ડ 2,128 પુજારીઓએ એકસાથે માતા સરયુની મહાઆરતી કરી હતી. આ બન્ને કર્યક્રમોમાં લોકોનો ભક્તિભાવ અને ઉમળકો નજરે ચડે તેવા હતા.

આ ભવ્યતાએ વિશ્વને માત્ર અયોધ્યાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ભવ્યતાનો પરિચય કરાવ્યો ન હતો, પરંતુ ભગવાન રામમાં લોકોની અતૂટ શ્રદ્ધા પણ દર્શાવી હતી. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે, સ્થાનિક રહેવાસીઓ, રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીના 32,000 થી વધુ વિદ્યાર્થીઓ અને જિલ્લા વહીવટીતંત્રે દિવસ-રાત મહેનત કરી હતી. દીવા ગોઠવવાથી લઈને તેમના પ્રકાશને જાળવી રાખવા સુધી, દરેક પગલા પર સામૂહિક પ્રયાસની શક્તિ સ્પષ્ટ દેખાતી હતી. રામાયણ થીમ પર આધારિત લેસર અને લાઇટ શોએ લોકોને ખૂબ જ આનંદીત કરી દીધા હતા.