અરવિંદ કેજરીવાલના જામીન અંગે ચિત્ર અસ્પષ્ટ; સુપ્રીમ કોર્ટે ચુકાદો રાખ્યો અનામત
નવી દિલ્હી: દિલ્હી દારૂ નીતિ કૌભાંડના કેસમાં જેલમાં બંધ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન સીબીઆઇ અને કેજરીવાલે પોતપોતાની દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે જામીન અરજી પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં ED દ્વારા કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તે કેસમાં કેજરીવાલને જામીન મળ્યા બાદ CBIએ જેલમાંથી જ તેમની ધરપકડ કરી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા, જ્યારે સીબીઆઈ વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ હાજર હતા.
આ પણ વાંચો : સુપ્રીમકોર્ટ અરવિંદ કેજરીવાલને જામીન આપશે! બંને પક્ષે ઉગ્ર દલીલો, જાણો કોર્ટે શું કહ્યું
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હું કેટલીક તારીખોનો ઉલ્લેખ કરવા માંગુ છું. જેના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે તમે પહેલેથી જ જામીન મામલે વિગતવાર લખ્યું છે. કાયદા પંચના રિપોર્ટને પણ ટાંકવામાં આવ્યો છે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, આ વિગતવાર વાતોને બદલે હું માત્ર કેટલીક તારીખો વિશે જ કહેવા માંગુ છું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સીબીઆઈએ અરવિંદ કેજરીવાલને બહાર આવતા રોકવા માટે તેમની ધરપકડ કરી છે.
આ દરમિયાન CBIના વકીલ એસવી રાજુએ કહ્યું કે દરેક ઓર્ડરમાં અમારી તરફેણમાં પણ વાતો લખવામાં આવી છે. પરંતુ સિંઘવી માત્ર કેટલીક વાતો જ કહી રહ્યા છે. ન્યાયાધીશે કહ્યું કે એ સમયે અરવિંદ કેજરીવાલ EDના કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા અને CBIએ કોર્ટને જાણ કરીને ધરપકડ કરી હતી. આ અંગે સિંઘવીએ કહ્યું કે આ તપાસનો વિષય છે,પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 26 જૂને, અરવિંદ કેજરીવાલને કોર્ટમાં રજૂ કર્યા અને કસ્ટડીની માંગ કરી. આ દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ઉદ્ધત જવાબો આપી રહ્યા હતા અને તેથી તેમની ધરપકડ કરવામાં આવી.
21 માર્ચે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. તેમને નીચલી અદાલતે 20 જૂને આ કેસમાં રૂ. 1 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જોકે, બીજા દિવસે EDએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. EDએ દલીલ કરી હતી કે કેજરીવાલને જામીન આપવાનો નીચલી કોર્ટનો આદેશ એકતરફી અને ખોટો હતો. ED ઉપરાંત CBI દ્વારા પણ 26 જૂને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી.