મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મુસાફરોને લઈ જઈ રહેલી એક પીકઅપ વાન પલટી મારી જતા 14 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને શાહપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે.
મધ્યપ્રદેશના સીએમઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે મુખ્ય પ્રધાને અધિકારીઓને દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપવાની સૂચના આપી છે. આ ઉપરાંત, ઘાયલોની સારવાર માટે જિલ્લા વહીવટીતંત્રને પણ સૂચના આપવામાં આવી છે.
થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશના કાસગંજમાં પણ આવો જ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. ગંગામાં સ્નાન કરવા જઈ રહેલા ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને તળાવમાં પલટી ગઈ. આ અકસ્માતમાં 7 બાળકો અને મહિલાઓ સહિત 22 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હવે મધ્યપ્રદેશમાં પણ આવો જ અકસ્માત થયો છે. અહીં પણ મુસાફરોથી ભરેલ પીકઅપ વાહને કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી.