New Delhi : ભારતના મોટાભાગના રાજ્યો હાલ તીવ્ર ગરમીનો(Heat Alert) સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગના (IMD)જણાવ્યા અનુસાર દેશના લગભગ 37 શહેરોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. આટલી તીવ્ર ગરમી વચ્ચે ઘણા રાજ્યોમાં વીજ કાપની ફરિયાદો પણ સામે આવી રહી છે. કાળઝાળ ગરમીને કારણે, મહારાષ્ટ્રના અકોલામાં વહીવટીતંત્રે 31 મે સુધી કલમ 144 લાગુ કરી છે અને જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉત્તર ભારત આકરી ગરમીથી ત્રસ્ત છે
રાજસ્થાન,પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં તીવ્ર ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉનાળામાં હીટ સ્ટ્રોકના ઘણા કેસો જોવા મળી રહ્યા છે. રાજસ્થાનનું ફલૌદી સતત બીજા દિવસે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું.જ્યાં મહત્તમ તાપમાન 49.8 ડિગ્રી નોંધાયું હતું. એક દિવસ પહેલા ફલૌદીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જે 1 જૂન 2019થી દેશમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન નોંધાયું છે.
શિમલામાં 30.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન
સત્તાવાર માહિતી અનુસાર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના 37 શહેરોમાં રવિવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું, જ્યારે 17 શહેરોમાં એક દિવસ પહેલા આ તાપમાન હતું. હિમાચલ પ્રદેશની પહાડીઓ પણ જે મેદાની વિસ્તારોની ભીષણ ગરમીથી બચવા માટેનું મનપસંદ સ્થળ છે. ત્યાં પણ ભારે ગરમી પડી રહી છે.શિમલામાં 30.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, જ્યારે ઉનામાં 44.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
હરિયાણાના નારનૌલમાં તાપમાનનો પારો 47 ડિગ્રી
દિલ્હીમાં લગભગ આઠ સ્થળોએ મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું, જેમાં મુંગેશપુર અને નજફગઢમાં 48.3 ડિગ્રી સેલ્સિયસ અને 48.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હરિયાણાના નારનૌલમાં તાપમાનનો પારો 47 ડિગ્રી અને પંજાબના ફરીદકોટમાં 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં વહીવટીતંત્રે કામદારો માટે પીવાના પાણી અને પંખાની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય વહીવટીતંત્રે નિર્દેશ આપ્યો છે કે બપોરના સમયે ખાનગી કોચિંગ ક્લાસ ન ચલાવવા જોઈએ.
પાણી અને વીજળીની અછત
સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યા અનુસાર, ભારતના 150 મોટા જળાશયોમાં પાણીનો સંગ્રહ ગયા અઠવાડિયે તેમના કુલ સંગ્રહના માત્ર 24 ટકા જેટલો ઘટયો છે. જેના લીધે ઘણા રાજ્યોમાં પાણીની અછતમાં વધારો થયો છે અને હાઇડ્રોપાવર ઉત્પાદન પર નોંધપાત્ર અસર પડી છે.
વીજળીની માંગ વધુ વધી શકે છે
સતત વધતી ગરમીએ પહેલેથી જ ભારતની વીજળીની માંગને 239.96 GW પર ધકેલી દીધી છે. જે આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી વધુ છે. ઘરો અને ઓફિસોમાં એર કંડિશનર અને કુલર સંપૂર્ણ ક્ષમતાથી ચાલી રહ્યા છે. જેના કારણે વીજળીનો ઘણો વપરાશ થઈ રહ્યો છે. નિષ્ણાતોનો અંદાજ છે કે વીજળીની માંગ વધુ વધી શકે છે અને સપ્ટેમ્બર 2023 માં નોંધાયેલ 243.27 GW ની ઊંચી સપાટીને પાર કરી શકે છે.
Also Read –