પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાથી થાકેલા પેટ્રોલ પંપ માલિકોએ મોદી સરકારને શું કરી ફરિયાદ ?

સુરતઃ સરકાર દ્વારા પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાની મંજૂરી આપવામાં આવી છે. જેનો અત્યાર સુધી નાગરિકો વિરોધ કરતા હતા પરંતુ હવે હવે પેટ્રોલ પંપ માલિકો પણ તેનો વિરોધ કરવા લાગ્યા છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વિરોધનો સૂર ઉઠ્યો હતો અને સરકારને ફરિયાદ કરવામાં આવી હતી.
કોણે લખ્યો પત્ર
દક્ષિણ ગુજરાત પેટ્રોલપંપ ડિલર એસોસિએશને સરકારને પત્ર લખીને દાવો કર્યો કે, ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલના કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. દરિપાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વાતાવરણમાં જરા પણ ભેજ વધે અથવા પેટ્રોલ પંપની ટાંકીમાં સહેજ પણ પાણી આવી જાય તો ઇથેનોલ અને પેટ્રોલ રાસાયણિક પ્રક્રિયા થઈ છૂટા પડી જાય છે. આ સૌથી મોટી સમસ્યા છે. જ્યારે આવું થાય છે ત્યારે ઇથેનોલનું વજન પેટ્રોલ કરતાં વધુ હોવાથી ઇથેનોલ પેટ્રોલની ટાંકીમાં નીચે બેસી જાય છે. પેટ્રોલ પંપમાંથી પંપ મારફતે પેટ્રોલ ખેંચવામાં આવે ત્યારે મોટેભાગે નીચેથી ખેંચાય છે. એટલે ગ્રાહકને ઇથેનોલ વધુ અને પેટ્રોલ ઓછું મળે છે. જેને કારણે ગ્રાહકના વાહનમાં તકલીફ પડે છે.
આ ઉપરાંત ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ જૂના વાહનોને પણ નુકસાન પહોંચાડતા હોવાની ફરિયાદ પણ સમયાંતરે સામે આવતી રહે છે. તેમજ ઇથેનોલની કિંમત પેટ્રોલથી ઓછી હોય છે. સરકારે ઈ20 પોલિસી હેઠળ આખા દેશમાં વેચાતા પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો, એટલે કે એક લિટર પેટ્રોલમાં પાંચમાં ભાગનું ઇથેનોલ મિક્સ કરવું. આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ ગઈ છે. જેને લઈને વિવાદો ઊભા થયા હતા.
ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતા ઘણી ઓછી હોય છે. લગભગ 65 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ એકલું ઇથેનોલ વેચાય છે. જો 20 ટકા ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ. જો કે આવો ઘટાડો કરવામાં ન આવ્યો એટલે લોકોમાં નારાજગી જોવા મળી હતી. બીએસ6 પ્રકારના એન્જિન મોટે ભાગે 2018 પછી મેન્યુફેક્ચર થયેલા વાહનોમાં જ આવે છે. જ્યારે આ પહેલા બનેલા વાહનોમાં ઈ20 ફ્યુઅલ વાપરવામાં આવે તો વાહનના એન્જિનને નુકસાન થવાની સંભાવના રહેલી છે. આ ઉપરાંત વાહનની માઇલેજ પણ ઓછી થાય છે. આ વાતને લઈને પણ વાહનચાલકોમાં રોષ છે.



