જે લોકો ભ્રષ્ટાચાર કરશે તેઓ પાંચ વર્ષમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરશે: વડા પ્રધાન મોદી
સિસાઈ (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે એનડીએ સરકારે ભ્રષ્ટાચારી ચહેરાઓ પરનો નકાબ કાઢી નાખ્યો છે અને જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત હતા તે બધા આગામી પાંચ વર્ષમાં કાનૂની કાર્યવાહીનો સામનો કરશે.
જેલમાં બંધ થયેલા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનનું નામ લીધા વગર તેમની ટીકા કરતાં મોદીએ કહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓ અને ઈન્ડી ગઠબંધનના લોકોે ભ્રષ્ટાચારીઓના સમર્થનમાં રેલીઓ કાઢી રહ્યા છે.
ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભ્રષ્ટાચાર બદલ જેલમાં બંધ છે અને મોદી આગામી પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારના દૂષણને ખતમ કરી નાખવા માટે કટિબદ્ધ છે. આગામી પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારમાં લિપ્ત બધા જ લોકોને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે, એમ તેમણે લોહારડાગા લોકસભા બેઠક પર પ્રચાર રેલીમાં કહ્યું હતું.
ઈન્ડી ગઠબંધનના નેતાઓ ગળા સુધી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. તેઓ દિલ્હી અને રાંચીમાં રેલીઓ કાઢીને ભ્રષ્ટ લોકોને સમર્થન જાહેર કરી રહ્યા છે અને તેમાં તેમનું ખરું ચરિત્ર જાહેર થઈ રહ્યું છે, એમ વડા પ્રધાને કહ્યું હતું.
આદિવાસી જિલ્લા પછાત રહેવા માટે કૉંગ્રેસને દોષી ગણાવતાં તેમણે કહ્યું હતું કે યુપીએના 2004થી 2014ના શાસનકાળમાં અનાજ ગોદામોમાં સડી રહ્યું હતું અને બીજી તરફ આદિવાસી બાળકો ભૂખમરીને કારણે મૃત્યુ પામી રહ્યા હતા.
વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે આખી દુનિયામાં કોઈપણ વ્યક્તિ ગરીબોને મફત અનાજનું વિતરણ રોકી શકશે નહીં આ મોદીની ગેરેન્ટી છે.
મોદીએ કહ્યું હતું કે એનડીએ સરકારે સુનિશ્ર્ચિત કર્યું છે કે ગરીબો ઈન્ટરનેટનો લાભ મેળવી શકે, જે યુપીએના શાસનકાળમાં ફક્ત અમીરો સુધી મર્યાદિત હતું.
વડા પ્રધાને માઓવાદીઓ સામે વોટ બૅન્કની લાલસામાં કોઈ કાર્યવાહી ન કરવાની ટીકા કરી હતી. (પીટીઆઈ)