આ ગામ સાથે ભગવાન રામનો અનોખો સંબંધ છે, અહી ભગવાન રામને લોકો મામા કહીને બોલાવે છે
![](/wp-content/uploads/2024/01/Ram-Sita-Lakshman.webp)
જમુઈ: ભગવાન રામ જ્યારે 14 વર્ષના વનવાસ દરમિયાન ઘણી એવી જગ્યાઓએ રહ્યા છે જે આજે પણ પૂજાય છે. અને ભક્તો આસ્થા સાથે દર્શન કરવા જાય છે. અને તે દરમિયાન ભગવાને આખા વિશ્વમાં ભ્રમણ કર્યું હતું. આથી સમગ્ર વિશ્વમાં ભગવાન રામના ભક્તો તેમને બહુ જ માને છે. આમ તો જોકે માતા સીતાનું પિયર નેપાળ કહેવામાં આવે છે પરંતુ તેમ છતાં બિહારના મિથિલાંચલમાં ભગવાન શ્રી રામને પહુન એટલે કે જમાઈ માનવામાં આવે છે. અને તે જ રીતે બિહારમાં પણ એક એવી જગ્યા છે જ્યાં ભગવાન શ્રી રામને ભગવાન તરીકે નહી પરંતુ મામા કહીને સંબોધવામાં આવે છે. આ સ્થળ શ્રીંગી ઋષિ આશ્રમ તરીકે ઓળખાય છે, જે લખીસરાય જિલ્લાના સૂર્યગઢમાં આવેલું છે. અહીંના લોકો ભગવાન રામની સાથે અને લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને પણ મામા કહીને જ સંબોધે છે.
પુરાણોમાં જણાવ્યા અનુસાર ભગવાન શ્રી રામ અને તેમના ચાર ભાઈઓના જન્મ પહેલા રાજા દશરથને એક પુત્રી હતી. જેનું નામ શાંતા હતું. જેને દશરથ રાજા ખૂબજ લાડ પ્રેમથી ઉછેરતા હતા. તે સમયે માતા કૌશલ્યાની મોટી બહેન રાણી વર્શિનીને કોઈ સંતાન નહોતું આથી તેમણે પોતાની દીકરી શાંતાને તેમની મોટી બહેન રાણી વર્શિનીને દત્તક આપી દીધી. અને એ જ શાંતાના લગ્ન શ્રૃંગી ઋષિ સાથે થયા હતા.
ઉલ્લેખનીય છે કે શ્રૃંગી ઋષિ એ મહાન ઋષિ હતા જેમણે રાજા દશરથ માટે પુત્રકામેષ્ઠી યજ્ઞનું આયોજન કર્યું હતું અને તેના કારણે ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો હતો. અને આ રીતે ભગવાન રામના જન્મ માટે શ્રૃંગી ઋષિ નિમિત્ત બન્યા અને ત્યારથી શાંતા અને શ્રૃંગી ઋષિ બંનેનો આશ્રમ સૂર્યગઢમાં આજે પણ છે. અને એટલે જ ત્યાંના લોકો ભગવાન શ્રી રામને પોતાના મામા માને છે.