હરિયાણા-યુપીમાં પરાળી બાળતા લોકો વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે: દિલ્હીના પર્યાવરણ પ્રધાન
નવી દિલ્હી: દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે સતત વધી રહેલા વાયુ પ્રદૂષણ અંગે નિવેદન આપ્યું હતું કે પંજાબમાં પરાળી બાળવાની ઘટનાઓની રાજધાનીના વાતાવરણ પર એટલી અસર નથી પડી રહી જેટલી હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ખેતરની આગથી નીકળેલા ધુમાડાની પડી રહી છે. કેન્દ્રના આંકડા મુજબ પંજાબમાં પરાળી બાળવાની ઘટનાઓ ઓછી થઇ ગઇ છે.
ગોપાલ રાયે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના આંકડા દર્શાવે છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પંજાબમાં પરાળી બાળવાના કિસ્સા ઘટ્યા છે. પંજાબમાં પરાળી બાળવાની ઘટનાની અસર દિલ્હી પર એટલી નથી પડી રહી જેટલી હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પરાળી બાળવાની પડે છે. હાલમાં હવા સ્થિર છે. પંજાબનો ધુમાડો ત્યારે જ દિલ્હી પહોંચશે જ્યારે પવન ફૂંકાશે. અત્યારે દિલ્હીની ચારે બાજુ ધુમાડાભર્યું વાતાવરણ છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી પરાળીનો ધુમાડો દિલ્હી પહોંચી રહ્યો છે.” તેવું પર્યાવરણ પ્રધાને જણાવ્યું હતું.
રવિવારે સતત ચોથા દિવસે દિલ્હીમાં AQI ગંભીર શ્રેણીમાં રહ્યો. દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 385 મપાયો હતો. દિલ્હી યુનિવર્સિટી વિસ્તારમાં એર ક્વોલિટી 456 જોવા મળી. ડ્રોન વડે કુતુબમિનારની આસપાસ ધુમાડાની એક પરત કેમેરામાં કેદ થઇ હતી. નોએડા, ગુરુગ્રામમાં પણ AQI 392 જોવા મળ્યો હતો.
વાયુ પ્રદૂષણની ગંભીર અસરો અંગે સ્થાનિકો પણ ફરિયાદ કરી રહ્યા છે. લોધી ગાર્ડનની મુલાકાત લેનાર એક વ્યક્તિએ પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતી હોવાની ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રદૂષણને કારણે ગાર્ડનમાં નિયમિતપણે આવનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. પહેલા શિયાળાની શરૂઆતમાં ખાસ્સી ચહેલપહેલ જોવા મળતી હતી, હવે માંડ 10 ટકા લોકો ગાર્ડનમાં આવે છે. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે પ્રદૂષણને કારણે સતત આંખોમાં બળતરાનો અનુભવ થાય છે.
તબીબોના મંતવ્ય મુજબ ચોખ્ખી હવા માટે AQI ઇન્ડેક્સ 50ની નીચે હોવો જોઇએ. 400ની આસપાસના AQIને કારણે ફેફસા તેમજ શ્વાસ સંબંધિત બિમારીઓથી પીડિત લોકો માટે કપરી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રદૂષિત હવા શ્વાસમાં જવાથી કેન્સર જેવી બિમારીઓનું પણ જોખમ રહેલું છે.