નેશનલ

ખેડૂતોનું આંદોલન ફરી હિંસક બન્યું: એકનું મોત, ચળવળ મોકૂફ

હિંસા: પટિયાલા જિલ્લામાં પંજાબ-હરિયાણા શંભુ અને ખાનૌરી સરહદ નજીક આંદોલન કરી રહેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડીને આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે બુધવારે તેમના પર અશ્રુવાયુ છોડ્યો હતો. (એજન્સી)

ચંડીગઢ: પંજાબના શંભુ અને ખાનૌરી સરહદી વિસ્તારમાં બેરિકેડ્સ હટાવવાનો પ્રયાસ કરી રહેલા ખેડૂતો અને સુરક્ષા અધિકારીઓ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૨૧ વર્ષના એક યુવાન ખેડૂતનું મોત થયું હતું. ખેડૂતોએ આંદોલન બે દિવસ મોકૂફ રાખ્યું છે. વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોને વિખેરવા હરિયાણા પોલીસે બુધવારે તેમના પર અશ્રુવાયુ છોડ્યો હતો.
૧૩ ફેબ્રુઆરીએ શરૂ થયેલા ‘દિલ્હી ચલો’ આંદોલન દરમિયાન થયેલી અથડામણમાં આ પહેલું મૃત્યુ નોંધાયું હતું.
ખેડૂતો તેમના પાક માટે એમએસપી પર કાયદેસર બાંયધરી સહિત વિવિધ માગણીના ટેકામાં વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. વિવિધ મુદ્દે તેમની માગણીઓના સમાધાન માટે સરકાર સાથે વાટાઘાટના ચોથા રાઉન્ડમાં મળેલી નિષ્ફળતા બાદ ખેડૂતોએ તેમનું વિરોધપ્રદર્શન ચાલુ રાખવાની બુધવારે જાહેરાત કરી હતી.
હરિયાણાના અંબાલા નજીક શંભુ સરહદ ખાતે અમુક ખેડૂતોએ બેરિકેડ્સની દિશામાં આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને વિખેરવા અશ્રુવાયુ છોડ્યો હતો.
શંભુ સરહદ પાસે વિરોધપ્રદર્શનના સ્થળની આસપાસ ડ્રોન પણ જોવા મળ્યું હતું.
પંજાબ-હરિયાણા સરહદે ખાનૌરી પાસે પણ એ જ પ્રકારના દૃશ્યો જોવા મળ્યા હતા અને ખેડૂતોને વિખેરવા હરિયાણા પોલીસને પણ અશ્રુવાયુ છોડવાની ફરજ પડી હતી.
અશ્રુવાયુ છોડવાને પગલે ખેડૂતો આમતેમ નાસવા લાગતા અંધાધુંધીભરી સ્થિતિ જોવા મળી હતી.
અશ્રુવાયુથી રક્ષણ મેળવવા વિરોધપ્રદર્શન કરી રહેલા અનેક ખેડૂતોે માસ્ક અને સંરક્ષણ ગ્લાસ સાથે જોવા મળ્યા હતા.
ખેડૂત નેતાઓએ ખેડૂતોને સરહદી વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા જણાવ્યું હતું.
વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ સરકારી એજન્સી દ્વારા મુકરર કરવામાં આવેલી એમએસપી પર પાંચ વર્ષ સુધી કઠોળ, મકાઈ અને કોટનની પ્રાપ્તિ માટેના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
૧૩ ફેબ્રુઆરીએ વિરોધપ્રદર્શન કરવા દિલ્હી જવા નીકળેલા હજારો ખેડૂતોને હરિયાણા સરહદે રોકી દેવામાં આવ્યા હતા. અહીં સુરક્ષા અધિકારીઓ સાથે તેમની અથડામણ થઈ હતી. ત્યારથી ખેડૂતોએ હરિયાણા સાથેની પંજાબ સરહદે આવેલા શંભુ અને ખાનૌરી વિસ્તારમાં પડાવ નાખ્યો છે.(એજન્સી)

ઈન્દોરમાં પણ કિસાનોનું આંદોલન
ઈન્દોર : વિકાસ પ્રકલ્પો માટે કૃષિ જમીનના અભિગ્રહણનો વિરોધ કરવા સેંકડો ખેડૂતો ટ્રેકટર સાથે ઈંદોરમાં ભેગા થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને સંલગ્ન ભારતીય કિસાન સંઘે આપેલી હાકલના પ્રતિસાદમાં આંદોલનકારી ખેડૂતો લક્ષ્મીબાઈ નગર એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટની સામે ભેગા થયા હતા. ખેડૂતોનો દાવો હતો કે અમારી ફળદ્રુપ જમીન હસ્તગત કરતી વખતે અમને બજારભાવ
કરતાં પણ ઓછું વળતર અપાય છે. ઈંદોરના વેર્સ્ટન રિંગ રોડ, ઈંદોર-બુધની રેલ લાઈન અને બીજા પ્રકલ્પો માટે જમીન અભિગ્રહણ કરવા વિરુદ્ધ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. સંઘના ડિસ્ટ્રિક્ટ કોન્સર્વેટર સુરેન્દ્ર પટેલે પત્રકારોને કહ્યું હતું કે પશ્ર્ચિમ મધ્ય પ્રદેશના ઈંદોર અને ઉજ્જૈન ડિવિઝનમાં ખેતીની ફળદ્રુપ જમીનનું વિકાસ પ્રકલ્પોના નામે અભિગ્રહણ કરાઈ રહ્યું છે. અમે આ પ્રકલ્પો માટે સરકારને એક ઈંચ જગ્યા આપવા માગતા નથી.
ખેડૂતોએ ટ્રેકટર સાથે જિલ્લા કલેકટરની ઓફિસમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને અટકાવવા બેરિકેડ્સ મુક્યા હતા. અંતે દેખાવકારો લક્ષ્મીબાઈ નગર એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટના ગેટની સામે ધરણાં કર્યા હતા. અનેક પોલીસોને તૈનાત કરવામાં આવ્યા હતા. (એજન્સી)

મેરઠમાં ખેડૂતો કલેક્ટરની કચેરીમાં ઘૂસ્યા
મેરઠ: ભારતીય કિસાન યુનિયન(બીકેયુ)એ પોતાની માગણીઓને લઇને યુપીના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ શ્રેણીમાં મેરઠ કલેક્ટર કચેરી ખાતે પણ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ખુદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કર્યું હતું. તેમના નેતૃત્વમાં સેંકડો ખેડૂતોએ ટ્રેક્ટર સાથે ડીએમ ઓફિસ તરફ કૂચ કરી હતી. ઘણા ખેડૂતો બેરિકોડ તોડીને ટ્રેક્ટર સાથે કલેક્ટર કચેરીની અંદર પહોંચ્યા હતા. જેના કારણે કલેક્ટર કચેરીમાં વાતાવરણ ગરમાયું હતું. વિરોધ દરમિયાન ટ્રેક્ટર ચલાવતા રાકેશ
ટિકૈતે કહ્યું કે અમારો વિરોધ સમગ્ર દેશમાં જિલ્લા મુખ્યાલયોમાં ચાલી રહ્યો છે. આજે બપોરે ત્રણ વાગ્યા સુધી વિરોધ કરવામાં આવશે, ત્યારબાદ આગળની રૂપરેખા બનાવવામાં આવશે. હવે યુનાઇટેડ કિસાન મોરચાની બેઠકમાં નક્કી થશે કે અમારે દિલ્હી જવું છે કે નહીં. અથવા કોઇ અન્ય રીતે પ્રદર્શન કરવું. અમારી મીટિંગ ૨૨ ફેબ્રુઆરીએ છે.
રાકેશ ટિકૈત મેરઠમાં ટ્રેક્ટર ચલાવતા જોવા મળ્યા હતા. તેમના નેતૃત્વમાં ખેડૂતોએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા અને ટ્રેક્ટર પર સવાર થઇને કલેક્ટર કચેરીની અંદર પહોંચ્યા હતા. ટિકૈતે કહ્યું હતું કે સમગ્ર દેશના ખેડૂતો ખેડૂતોના આંદોલનના સમર્થનમાં એક થયા છે. ખેડૂતોના વિરોધને લઇને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પરંતુ પોલીસ તેમને રોકવામાં નિષ્ફળ રહી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીમાં ઘૂસ્યા હતા. જોકે આ અંગે રાકેશ ટિકૈતે કહ્યું કે પોલીસ અમને ખુદ રોકી રહી નથી. આ દરમિયાન વાતાવરણ એકદમ ગરમ બની ગયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button