
નવી દિલ્હી: RBIની કડકાઈ બાદ ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી કંપની Paytm પર અત્યારે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તેની બેંકિંગ શાખા (Paytm Payment Bank) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ત્યારથી કંપનીના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે કંપનીના શેર માત્ર 3 દિવસમાં તે 43% થી વધુ ઘટી ગયા છે. ત્યારે Paytm એ પોતોના યુઝર્સને આશ્વાસન આપ્યું એટલું જ નહિ પરંતુ કંપનીના કર્મચારીઓને ચિંતામુક્ત કર્યા હતા.
Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ વર્ચ્યુઅલ ટાઉન હોલ દરમિયાન આ સંકટની ઘડીમાં કર્મચારીઓને આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે હું કોઈ બાબત સમજી નથી શક્યો કે કંપનીમાં એવી કંઈ બાબત થઈ ગઈ કે જે ખોટી છે પરંતુ એકપણ કર્મચારીએ ચિંતા કરવાની જરૂર નથી. ટૂંક સમયમાં જ આ તમામ બાબતોને ઉકેલ આવશે.
આ ટાઉન હોલમાં કંપનીના પ્રેસિડેન્ટ અને CEO ભાવેશ ગુપ્તા સિવાય Paytm પેમેન્ટ બેંકના CEO સુરિન્દર ચાવલા પણ Paytm ફાઉન્ડરની સાથે હતા. ત્યારે અહી વિજય શેખર શર્માએ એમ પણ કહ્યું હતું કે કંપનીમાં કોઈ છટણી કરવામાં આવશે નહીં કારણકે તમામ કરામચારીઓ પેટીએમ પરિવારનો ભાગ છો અને ચિંતા કરવાની કોઈ વાત નથી અને અમે અત્યારે આરબીઆઈ સાથે સતત સંપર્કમાં છીએ. આ સાથે, Paytm અન્ય બેંકો સાથે પણ ભાગીદારી માટે કામ કરી રહી છે.
નોંધનીય છે કે 31 જાન્યુઆરી 2024ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ઓડિટ રિપોર્ટ અને બાહ્ય ઓડિટર્સે આપેલા અહેવાલો બોદ પેટીએમ પેમેન્ટ બેંકની સેવાઓ સ્થગિત કરી હતી. જેમાં સેન્ટ્રલ બેંક દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે Paytm પેમેન્ટ બેંક નવા ગ્રાહકો નહી બનાવી શકે અને PPBL પાસે 29 ફેબ્રઆરી બાદ કોઈપણ ગ્રાહક ખાતા, વૉલેટ અને FASTagમાં ડિપોઝિટ/ટોપ-અપ સ્વીકારવાનો અધિકાર રહેશે નહિ. RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની કલમ 35A હેઠળ આ કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે પેટીએમને 15 માર્ચ સુધીમાં નોડલ એકાઉન્ટ સેટલ કરવાનો આદેશ આપ્યો છે. જો કે આ આદેશ 29 ફેબ્રુઆરીથી લાગુ થશે.