પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ પર કોંગ્રેસનો મોટો આક્ષેપ, કહ્યું રૉ એજન્ટની માહિતી પાકિસ્તાનને સોંપી હતી…

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કોંગ્રેસે દેશહિતના મુદ્દા પર ભાજપ પર આક્ષેપ કર્યો છે. કોંગ્રસે કહ્યું છે કે ભાજપ દેશહિતના મુદ્દા પર રાજકારણ રમી રહી છે. તેમજ ઈચ્છે કે આ મુદ્દે વિપક્ષ મૌન રહે. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જનસંઘ અને જનતા પાર્ટીની સરકાર દરમિયાન વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈએ રૉ (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ)ના ગુપ્ત એજન્ટો વિશેની માહિતી પાકિસ્તાનને આપી હતી. જે રાજદ્રોહ સમાન હતું.
ભૂલ નહોતી એક ઐતિહાસિક પાપ
મીડિયા સાથે વાત કરતી વખતે પ્રવક્તાએ કહ્યું, મોરારજી દેસાઈએ દેશની સૌથી મહત્વપૂર્ણ ગુપ્તચર એજન્સી રૉના એજન્ટો વિશે પાકિસ્તાનને માહિતી આપી હતી. આ માત્ર એક ભૂલ નહોતી, તે એક ઐતિહાસિક પાપ હતું. જેના કારણે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર નુકસાન થયું હતું. કોંગ્રેસે સીધો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું તત્કાલીન સરકારની રાજકીય જીદ રાષ્ટ્રીય હિતથી ઉપર હતી?

રૉ ના પાકિસ્તાની નેટવર્કને ભારે નુકસાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ આ આક્ષેપ તે સમયની ગુપ્તચર ફાઇલો અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના લેખોના આધારે કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે મોરારજી દેસાઈએ પાકિસ્તાનના જનરલ ઝિયા-ઉલ-હક સાથેની વાતચીત દરમિયાન ભારતની ગુપ્તચર વ્યૂહરચના વિશે માહિતી શેર કરી હતી. કેટલાક અહેવાલોમાં પણ કહેવામાં આવ્યું છે કે આ માહિતી લીક પછી રૉ ના પાકિસ્તાની નેટવર્કને ભારે નુકસાન થયું છે.
રૉની દાયકાઓની મહેનત બરબાદ થઈ ગઈ
પવન ખેરાએ કહ્યું, આ ઘટનાના થોડા દિવસો બાદ આપણે ઘણા રૉ એજન્ટોન ગુમાવ્યા. પાકિસ્તાને તેમને ગાયબ કરી દીધા, તેમને મારી નાખ્યા, અમને ખબર નથી કે તેમણે શું કર્યું.તેમજ મોરારજી દેસાઈના ઝિયાને કરેલા એક ફોન કોલને કારણે રૉની દાયકાઓની મહેનત બરબાદ થઈ ગઈ. તેથી જ હું કહું છું કે તેમનો જાસૂસીનો ઇતિહાસ છે.
કોંગ્રેસની હતાશા દેખાય છે : ભાજપ
કોંગ્રેસના આ સનસનાટીભર્યા નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે આ નિમ્ન કક્ષાનું રાજકારણ છે અને ઇતિહાસ સાથે ચેડાં છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું, દેશના ભૂતપૂર્વ વડા પ્રધાનને દેશદ્રોહી કહેવા કોંગ્રેસની હતાશા દેખાય છે.
આપણ વાંચો : નિર્મલા સિતારામન રેકોર્ડ બનાવવામાં મોરારજી દેસાઈ કરતા કેટલા પાછળ?