પટના હાઈકોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો: વડાપ્રધાન મોદીના માતા હીરાબાનો AI વીડિયો હટાવવાનો આદેશ...
Top Newsનેશનલ

પટના હાઈકોર્ટે કોંગ્રેસને ઝટકો આપ્યો: વડાપ્રધાન મોદીના માતા હીરાબાનો AI વીડિયો હટાવવાનો આદેશ…

પટના: ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે સોશિયલ મીડિયા પર એક અલગ પ્રકારની જ જંગ ચાલતી હોય છે, રાજકીય પક્ષો એક બીજા પર પ્રહાર કરતા ફોટો-વિડીયો પોસ્ટ કરતા રહે છે. એવામાં ક્યારેક રાજકીય પક્ષો વિરોધી પક્ષના નેતા પર વ્યક્તિગત વાંધાજનક ટીપ્પણી કરી બેસતા હોય છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે થોડા દિવસો પહેલા કોંગ્રેસે વડાપ્રધાન મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટ કરાયેલો વીડિયો પોસ્ટ કર્યો હતો. આજે બુધવારે પટના હાઈકોર્ટે આ વિડીયો હટાવવા આદેશ આપ્યો છે.

પટના હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પીબી બજંત્રીએ પક્ષને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આ વીડિયો દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.

10 સપ્ટેમ્બરના રોજ બિહારના કોંગ્રેસ યુનિટે સોશિયલ મીડિયા પર 36 સેકન્ડ લાંબો એક AI જનરેટેડ વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં જોવા મળે છે કે વડાપ્રધાન મોદી સુઈ રહ્યા છે, ત્યારે તેમના સ્વર્ગસ્થ માતા હીરાબા તેમના સપનામાં આવે છે અને કથિત વોટ ચોરી મામલે વડા પ્રધાન મોદીની ટીકા કરે છે. જેનાથી વડાપ્રધાન મોદીની ઊંઘ ઉડી જાય છે.

વડાપ્રધાને કોંગ્રેસની ટીકા કરી:
આ વિડીયો શેર થયા બાદ વિવાદ સર્જાયો હતો. ભાજપ અને NDAના ઘટક સાથી પક્ષોએ આ વીડિયોને વખોડી કાઢ્યો હતો. ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતાનો AI જનરેટેડ વિડીયો બનાવવા બદલ કોંગ્રેસની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ અકલ્પનીય છે, કોંગ્રેસે દેશની તમામ માતાઓ, બહેનો અને પુત્રીઓનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું, “મારી માતાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી”.

જોકે, કોંગ્રેસે દલીલ આપી હતી કે વડાપ્રધાન મોદી કે તેમના સ્વર્ગસ્થ માતાનું કોઈ પ્રકારે અપમાન કરવામાં આવ્યું નથી.

દિલ્હી ભાજપના ચૂંટણી સેલના કન્વીનર સંકેત ગુપ્તાએ આ વિડીયો મામલે ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસે 13 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ અને તેના IT સેલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો…AI ડીપફેક વિવાદ: વડાપ્રધાનના દિવંગત માતાના વિડીયો પર કોંગ્રેસ વિરુદ્ધ FIR દાખલ

સંબંધિત લેખો

Back to top button