નેશનલ

કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટના દરદીઓ વધ્યા

નવી દિલ્હી : દેશમાં કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટ જેએન-વનના છ વધુ કેસ નોંધાતા દેશમાં આ નવા વેરિયન્ટના દર્દીની સંખ્યા વધીને ૬૯ થઈ છે. આના મોટા ભાગના દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં રખાયા છે અને હૉસ્પિટલમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી નથી એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

નીતિ આયોગના સભ્ય (આરોગ્ય)) ડૉક્ટર વી. કે. પોલે કહ્યું હતું કે ગયા અઠવાડિયે આ નવા વેરિયન્ટની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. તેમણે રાજ્યોને ટેસ્ટની સંખ્યા વધારવાની અને નિરીક્ષણ સિસ્ટમને સુદૃઢ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

કોરોનાના નવા કેસની સંખ્યા વધી રહી છે અને દેશમાં જેએન-વનના કેસના નિદાન થયા હોવા છતાં ચિંતાની કોઈ વાત નથી કારણ કે કોરોનાના ચેપગ્રસ્ત દરદીના ૯૨ ટકાએ ઘરે જ
સારવાર લેવાનું પસંદ કર્યું છે અને આ સૂચવે છે કે આ સૌમ્ય બિમારી છે.

અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે હૉસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી નથી અને જે બીજી બીમારીને લીધે હૉસ્પિટલમાં દાખલ થયા છે તેમને કોરના થયો હોવાનું માલૂમ પડ્યું છે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં કેન્દ્રના આોગ્ય સચિવ સુધાંશ પંતે તહેવારની મોસમમાં કોરોનાના નિયંત્રણ અને મોનેજમેન્ટની રણનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એવી સલાહ આપી હતી કે સંક્રમણની સંભાવના ઘટાડવા જાહેર આરોગ્યનાં પગલાં લો. રાજ્યોને કોવિડ-૧૯ની આરોગ્ય ખાતાની નવી નિરીક્ષણ નીતિના કડક પાલનની સૂચના આપી હતી. રાજ્યોને દરેક આરોગ્ય કેન્દ્રમાં ઈન્ફ્લુએન્ઝા જેવી બિમારીના કેસ જિલ્લાવાર નોંધવાની સૂચના આપી છે, જેથી કોરોના કેસમાં ઉછાળો આવે તો તરત જ ધ્યાનમાં આવે.

ભારતમાં કોરોનાના નવા દર્દીમાં એક દિવસમાં ૬૨૮નો ઉછાળો આવ્યો હતો. સોમવારના આંકડા પ્રમાણે કુલ સક્રિય કેસ ૪,૦૫૪ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં એક દર્દીનું મોત થતાં મરણાંક ૫,૩૩,૩૩૪નો થયો છે.

જેએન-વનનો પહેલો કેસ ઑગસ્ટ ૨૦૨૩માં લક્સેમબર્ગમાં નોંધવામાં આવ્યો હતો.

દરમિયાન દેશમાં કોરોનાના વેરિયન્ટ જેએન-વનનો કેસ મળતાં હિમાચલ પ્રદેશના આરોગ્ય મંત્રાલયે રાજ્યના ચીફ મેડિકલ ઓફિસરોને કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓના તબીબી પરિક્ષણ કરવાની અને જરૂરી અગમચેતી લેવાની સલાહ આપી છે. (એજન્સી)

અમદાવાદમાં એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટથી હવે લોકોમાં ગભરાટ ફેલાઇ રહ્યો છે ત્યારે મંગળવારે અમદાવાદમાં કોરોનાની સારવાર લઇ રહેલા એક દર્દીનું મોત થતાં આરોગ્ય વિભાગ દોડતો થયો છે. જોકે મોતનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ બહાર આવશે. અમદાવાદમાં લાંબા
સમય બાદ કોરોનાના દર્દીના મોતની ઘટના બહાર આવી છે. કોવિડ-૧૯ની નવી લહેરમાં આ પ્રથમ મૃત્યુ થયુ હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. શહેરના દરિયાપુરના વિસ્તારનાં ૮૨ વર્ષના મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મહિલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

અમદાવાદના સરખેજ અને રાણીપ વિસ્તારમાં મંગળવારે કોરોનાના વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા છે સોમવારે પાંચ અને મંગળવારે બે કેસ પોઝિટિવ આવ્યા છે. સિંગાપોરથી પરત ફર્યા બાદ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે તેમ જ અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ૩૫ થઈ છે. આ અગાઉ અમદાવાદમાં કોરોનાના ૧૧ કેસમાં ૭ પુરુષ અને ૪ મહિલા દર્દીઓના સમાવેશ થયો હતો. આ કેસ થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા અને જોધપુરમાં કોરોના વાઇરસના નવા કેસ નોંધાયા હતા. સંક્રમિત દર્દીઓ દુબઇ, કેરેલા, હૈદરાબાદ, અમેરિકા, કેનેડા, કઝાકસ્તાનથી આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના ૩૩ની જગ્યાએ ૩૫ એક્ટિવ કેસ થયા છે. નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ ૬ લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં ૧ દુબઈ, ૧ કેરળ, ૧ હૈદરાબાદ, ૧ કેનેડાથી ગુજરાત આવ્યા છે. જ્યારે ૧ અમેરિકા અને ૧ કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button