પટિયાલાથી પ્રયાગરાજ પહેલી વખત પારો શૂન્યની નીચે
ગાઢ ધુમ્મસને કારણે અનેક ટ્રેનો-વિમાનો મોડા પડ્યા
નવી દિલ્હી: દેશમાં અત્યારે બે મોસમ જોવા મળી રહી છે, અમુક ઠેકાણે ઘણીવાર પારો ૩૬ ડિગ્રીને પણ પાર કરી જાય છે, તો દિલ્હી સહિત ઉત્તર ભારતમાં શીતલહેર ચાલુ છે. પરિણામે પટિયાલાથી પ્રયાગરાજ સુધી પહેલી જ વાર પારો શૂન્યની નીચે નોંધાયો છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, અને પંજાબમાં આજે સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી. ધુમ્મસને કારણે વાહન વ્યવહાર અને વિમાનોના ઉડ્ડયનોને પણ અસર થઇ છે. ઉત્તર-પશ્ર્ચિમ દિશામાંથી બર્ફીલા પવનો ફૂંકાઇ રહ્યા છે, જેને કારણે તાપમાન સતત ગગડતું જઇ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે દિલ્હીમાં યલો એલર્ટ જારી કર્યું છે. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી આવતી અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. રાજસ્થાનના ગંગાનગર, પંજાબના પટિયાલા અને ચંદીગઢ, હરિયાણાના અંબાલા, પાલમ અને સફદરજંગ દિલ્હી, યુપીના બરેલી, લખનઊ, બહરાઈચ, વારાણસી, પ્રયાગરાજ અને તેજપુર (આસામ)માં ઝીરો મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી છે.
હવામાન વિભાગે દિલ્હીમાં આગામી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે. ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણને કારણે રાત્રિના સમયે પારો વધુ ગગડી શકે છે. શનિવારે સવારનું દિલ્હીનું તાપમાન આ સિઝનમાં સૌથી ઓછું નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું હતું. ત્યાર બાદ સાંજ પડતાં જ તાપમાનમાં ઘટાડો થયો હતો. શનિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ૧૮.૧
ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું છે. લઘુતમ તાપમાન ૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું છે.
ઉત્તર પ્રદેશ, લખનઊ અને તેની આસપાસના વિસ્તારોની વાત કરીએ તો ત્યાંની સવાર પણ ગાઢ ધુમ્મસથી થઇ હતી. કેટલીક જગ્યાએ વિઝિબિલિટી શૂન્ય હતી. સમગ્ર રાજ્યમાં ઠંડીની લહેર ફરી વળી છે. કાનપુર, શાહજહાંપુર, મુઝફ્ફરનગર અને મેરઠ જેવાં સ્થળો પર લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો.