પટેલ યુવકે અમેરિકાની ફૂટબોલ ટીમને લગાવ્યો ₹ ૧૯૫ કરોડનો ચૂનો
ન્યૂ યોર્ક: અમેરિકામાં મૂળ ગુજરાતના યુવકે અમેરિકન ફૂટબોલ ટીમ જેક્સનવિલે જગુઆર્સને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. અમિત પટેલ નામનો ગુજરાતી યુવક આ ફૂટબોલ ટીમનો ભૂતપૂર્વ કર્મચારી છે અને તેને વૈભવી લાઇફસ્ટાઇલ માટે રૂપિયાની જરૂર હતી જેથી તેણે ટીમને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.
અમિત પટેલ પર ટીમના ખજાનામાંથી ૨.૨ કરોડથી વધુ ડૉલરની (અંદાજે રૂ. ૧૯૫ કરોડની) ઉચાપત કરવાનો આરોપ છે. અમિત પટેલ ૨૦૧૮ થી ૨૦૨૩ સુધી ફ્લોરિડા સ્થિત ફૂટબોલ ટીમ જેક્સનવિલે જગુઆર્સના ફાઇનાન્સિયલ પ્લાનિંગ અને એનાલિસિસ મેનેજર હતો. તેણે પૈસાનો ઉપયોગ મોંઘી ઘડિયાળો ખરીદવા, ઓનલાઈન જુગાર રમવા, ખાનગી જેટ ચાર્ટરના ઉપયોગ અને મિત્રો માટે લક્ઝરી ટ્રીપ પાછળ ખર્ચ્યા હતા.
ધ ન્યૂ યોર્ક પોસ્ટે ધ એથ્લેટિકને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, ફ્લોરિડામાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આ સપ્તાહની શરૂઆતમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોમાં છેતરપિંડી અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારનો આરોપ મુકવામાં આવ્યો હતો. ટીમના નાણા વિભાગ સાથે કામ કરતી વખતે અમિત પટેલે છેતરપિંડી કરવા માટે ટીમના વર્ચ્યુઅલ ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કર્યો હતો.
કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, તેણે “કેટરિંગ, એરફેર અને હોટેલ ચાર્જીસ પાછળ રૂપિયાનો ખર્ચ કરીને સિસ્ટમ સાથે મેન્યુઅલી ચેડા કર્યા અને પછી તે પેમેન્ટની નકલ કરી હતી. તેણે પેમેન્ટની રકમ વધારી અને સંપૂર્ણપણે નકલી લેવડદેવડ કરવાની શરૂઆત કરી હતી. ફૂટબોલ ટીમે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે પુષ્ટી કરીએ છીએ કે ટીમે ફેબ્રુઆરી ૨૦૨૩માં ફાઇલિંગમાં નામ આપવામાં આવેલ અમિતને નોકરીમાંથી કાઢી મુક્યો છે.