Patanjali Products: પતંજલિ આયુર્વેદ સામે કડક કાર્યવાહી, ઉત્તરાખંડ સરકારે 14 ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો
![Patanjali Products: Strict action against Patanjali Ayurveda, Uttarakhand government bans 14 products](/wp-content/uploads/2024/04/IMG_INDIA-PATANJALI__7_1_3CCFE3F3-780x470.jpg)
નવી દિલ્હી: ભ્રામક જાહેરાતોના મામલામાં સુપ્રીમ કોર્ટ(Supreme Court)ની ફટકાર બાદ પતંજલિ આયુવેદ(Patanjali Ayurved)ને વધુ એક મોટો ફટકો પડ્યો છે. ઉત્તરાખંડ સરકાર(Uttarakhand Governmnet)એ પતંજલિ આયુર્વેદિક ફાર્મા કંપનીની 14 દવાઓના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. ઉત્તરાખંડ સરકારના ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિબંધિત પ્રોડક્ટ્સમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.
ઉત્તરાખંડ સરકારે સોમવારે સાંજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી હતી. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે પતંજલિ આયુર્વેદ ઉત્પાદનોની ગેરમાર્ગે દોરતી જાહેરાતો વારંવાર પ્રકાશિત થવાને કારણે અમે કંપનીની 14 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
પતંજલિના જે ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં શ્વાસરી ગોલ્ડ ગોલ્ડ, શ્વાસરી ગોલ્ડ વટી, દિવ્યા બ્રોનકોમ, શ્વાસરી ગોલ્ડ પ્રવી, શ્વાસરી ગોલ્ડ અવલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિત, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાન્સ, લિવોગ્રિટ, આઈગ્રીટ ગોલ્ડ અને પતંજલિ દૃષ્ટિ આઇ ડ્રોપનો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડ સરકારે આ 14 દવાઓનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, સરકારે આ દવાઓનું લાયસન્સ પણ રદ્દ કરી દીધું છે. આવો જ આદેશ તમામ જિલ્લા ડ્રગ ઈન્સ્પેક્ટરોને પણ મોકલવામાં આવ્યો છે. આ સિવાય કેન્દ્રીય આયુષ મંત્રાલયને પણ આ માહિતી આપવામાં આવી છે.
હાલમાં જ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને પણ ફટકાર લગાવી હતી. સાથે સાથે કોર્ટે ઉત્તરાખંડ સરકારે લીધેલા પગલા અંગે જવાબ માંગ્યો હતો.