‘એક કરોડનો દંડ ફટકારીશું’… સુપ્રીમ કોર્ટે કયા મુદ્દે પતંજલિની કાઢી ઝાટકણી?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતોમાં એલોપથીની દવાઓ વિશે ગેરમાન્યતાઓ ફેલાવવા બદલ ઝાટકણી કાઢી હતી.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત મિશ્રાની સંયુક્ત બેન્ચે પતંજલિને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હવે તેમના ઉત્પાદનો અંગે કોઇ ભ્રામક માહિતી ધરાવતી જાહેરાતનું પ્રસારણ થાય તો તેમના પર એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કોર્ટે એ પણ જણાવ્યું હતું કે પતંજલિએ સુનિશ્ચિત કરવું જોઇએ કે તેઓ પ્રેસ-મીડિયાને પણ આ પ્રકારના નિવેદનો ન આપે.
પતંજલિ આયુર્વેદ ભવિષ્યમાં આવું કોઇ પગલું ન ભરે તેમજ આયુર્વેદ અને એલોપથી વચ્ચે દલીલબાજી થાય તેવું કોઇ વાતાવરણ ઉભુ નહિ કરે તેવો કોર્ટે આદેશ આપ્યો છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પતંજલિની જાહેરાતોને પગલે એલોપથી દવાઓની ઉપેક્ષા થઇ રહી છે. પતંજલિ તેના ઉત્પાદનોમાં જે દાવા કરે છે તે સાબિત નથી થયા અને તે ‘ડ્રગ્સ એન્ડ અધર મેડીકલ રેમેડીઝ એક્ટ-1954’ અને ‘કન્ઝ્યુમર પ્રોટેકેશન એક્ટ-2019’નું ઉલ્લંઘન છે. આ કેસમાં આગામી સુનાવણી ફેબ્રુઆરી 2024માં યોજાશે.
અગાઉ પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો કે તેના કોરોનીલ અને સ્વસારી નામના ઉત્પાદનોથી કોરોનાનો ઉપચાર થઇ શકે છે, આ દાવાને પગલે ભારે વિવાદ થયો હતો અને આરોગ્ય મંત્રાલયે આ દવાઓના પ્રમોશન પર પ્રતિબંધ મુકી દીધો હતો.